Morbi: ટંકારાના મીતાણા ગામે રહેતી સગીરાનું સગપણ થઈ જતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમી સાથે ભાગેલી સગીરાને પરિવાર દ્વારા પરત લાવવામાં આવતા સગીરાએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ટંકારાના મીતાણા ગામે રહેતી તેજલબેન શિવાભાઈ સાડમીયા (17) સગીરા અગિયાર દિવસ પૂર્વે પોતાના ઘરે હતી, ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાની તબિયત લથડતા વધુ સારવાર માટે ફરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતા ટંકારા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સગીરા એક ભાઈ પાંચ બહેનમાં વચેટ હતી અને તેના પિતા હાલ હયાત નથી. સગીરાની છ માસ પૂર્વે જ રાજકોટ ખાતે સગાઈ થઈ હતી. સગીરા અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. પરિવારની શોધખોળ દરમિયાન સગીરા પાંચ દિવસ બાદ મળી આવતા ઘરે પરત લાવવામાં આવેલી સગીરાએ ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી તપાસનો દૌર લંબાવ્યો છે.
