Morbi: સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 13 મહિનાથી શાંત પડેલા કોરોના વાયરસનો પુન: પગપેસારો થતાં સમગ્ર આરોગ્ય આલમ અને સ્થાનિક તંત્રમાં ભારે સળવળાટ તથા દોડધામ મચી જવા પામી છે. વાંકાનેર શહેરમાં આવેલા હનુમાન શેરી વિસ્તારમાં રહેતી એક મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તબીબી આલમ હરકતમાં આવી ગયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાંકાનેરના હનુમાન શેરી મેઈન રોડ પર રહેતી એક મહિલા તાજેતરમાં જ ખેડા જિલ્લાની મુસાફરી કરીને પરત આવી હતી. ખેડાથી પરત આવ્યા બાદ મહિલાને શારીરિક અસ્વસ્થતા અને તાવના લક્ષણો જણાતા તેઓ સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દર્દીની પ્રાથમિક તપાસ દરમિયાન કોવિડ-19ના લક્ષણો જણાતા ત્વરિત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
જેનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું આવતા સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા ત્વરિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓને કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં લાંબા સમય બાદ પ્રથમ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતનું સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું હતું.
સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરતા વાંકાનેરના હનુમાન શેરી વિસ્તારને બેરિકેટિંગ કરીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
સંક્રમિત મહિલાની હાલની આરોગ્ય વિષયક સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે વધુ સઘન સારવાર અને સંભાળ માટે આ મહિલા દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાક્રમને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ પૂર્ણપણે સતર્ક બની ગયું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડને ત્વરિત સક્રિય કરવામાં આવ્યો છે અને મહિલાની તાત્કાલિક સારવાર માટેની તમામ સુવિધાઓ, ઓક્સિજન તથા જરૂૂરી દવાનો જથ્થો ઉભો કરી દેવામાં આવ્યો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વાંકાનેર આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે પણ સમગ્ર બાબતની જાણ કરવામાં આવી છે. સંક્રમિત મહિલા ખેડાથી પરત આવ્યા બાદ પોઝિટિવ આવી હોવાથી સંક્રમણનું મૂળ શોધવા માટે ગાંધીનગર કક્ષાએથી ખેડા જિલ્લા આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.
ખેડા તંત્ર દ્વારા મહિલા જે સ્થળે રોકાઈ હતી તે વિસ્તાર અને તેના સંપર્કમાં આવેલા લોકો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.13 મહિનાના વિરામ બાદ ફરી કોરોનાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગે નાગરિકોને ભયભીત ન થવા પરંતુ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
