Morbi News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ફરી એકવાર વૈશ્વિક ઉદ્યોગ જગતનું ધ્યાન ખેંચવા જઈ રહ્યું છે. આગામી 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ યોજાનાર છે. આ કોન્ફરન્સમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ગાથા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, જેણે આજે ભારતને વિશ્વના સિરામિક નકશા પર બીજા સ્થાને લાવી દીધું છે.

કુંભારના ચાકથી વૈશ્વિક હબ સુધીની સફર
મોરબીની સફર માટીના માટલા અને નળિયાં બનાવવાથી શરૂ થઈ હતી, જે આજે અત્યાધુનિક ટાઇલ્સ ઉત્પાદન સુધી પહોંચી છે. 1970-80ના દાયકામાં શરૂ થયેલો આ ઉદ્યોગ આજે ફ્લોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદનમાં વિશ્વવિખ્યાત બન્યો છે. ગુજરાતના કુલ સિરામિક ઉત્પાદનમાં એકલા મોરબીનો ફાળો આશરે 90% જેટલો છે.
આ પણ વાંચો

રોજગારી અને આર્થિક યોગદાન
મોરબી માત્ર ટાઇલ્સ જ નથી બનાવતું, પરંતુ લાખો પરિવારોનું ગુજરાન પણ ચલાવે છે.
- એકમોની સંખ્યા: આશરે 1200 સિરામિક એકમો કાર્યરત છે.
- ઉત્પાદન: વાર્ષિક 60 લાખ ટનનું અધધ ઉત્પાદન.
- રોજગાર: આ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 9 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
વૈશ્વિક બજારમાં દબદબો
ભારતમાંથી નિકાસ થતા કુલ સિરામિક ઉત્પાદનોમાં મોરબીનો હિસ્સો 80 થી 90 ટકા છે. વર્ષ 2024-25 દરમિયાન આશરે રૂ. 15,000 કરોડની નિકાસ નોંધાઈ છે. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઓમાન અને શ્રીલંકા જેવા દેશોમાં મોરબીની ટાઇલ્સ ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડને મજબૂત કરી રહી છે.

સરકારી સહાય અને નીતિઓ
રાજ્ય સરકારે ઉદ્યોગોને વેગ આપવા માટે છેલ્લા બે વર્ષમાં 115 કરોડ રૂપિયાની સીધી સહાય 2200 થી વધુ લાભાર્થીઓને પહોંચાડી છે. આગામી VGRC-2026 માં ‘અદ્યતન સિરામિક્સ’ અને ‘એનર્જી-એફિશિયન્ટ ટેકનોલોજી’ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જે મોરબીના ઉદ્યોગને વધુ પર્યાવરણ અનુકૂળ અને આધુનિક બનાવશે.

વૉલ ક્લોક અને પોલીપેક ઉદ્યોગમાં પણ અગ્રેસર
સિરામિક સિવાય મોરબી અન્ય બે ક્ષેત્રોમાં પણ વર્ચસ્વ ધરાવે છે:
- 1) વૉલ ક્લોક ઉદ્યોગ: મોરબીમાં 150 થી 200 જેટલા એકમો છે, જે ભારતના સૌથી વધુ વૉલ ક્લોક ઉત્પાદનનો હિસ્સો ધરાવે છે. આ ઉદ્યોગમાં 10 થી 12 હજાર શ્રમિકો કામ કરે છે, જેમાંથી 60% મહિલાઓ છે.
- 2). પોલીપેક ઉદ્યોગ: વાર્ષિક રૂ. 5500 કરોડનું ટર્નઓવર અને 150 એકમો સાથે મોરબી હવે આ ક્ષેત્રમાં પણ અગ્રેસર જિલ્લો બનવા જઈ રહ્યો છે.
મોરબીના ઉદ્યોગકારોની સાહસિકતા અને સરકારની પ્રોત્સાહક નીતિઓના સંગમે આ જિલ્લાને ‘સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા’ બનાવી દીધું છે. આગામી વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ મોરબીના આ વૈશ્વિક પ્રભુત્વને નવા શિખરો પર લઈ જશે તેવી અપેક્ષા છે.

