Morbi Demolition News: મોરબીમાં ઐતિહાસિક મણીમંદિર પાસે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દરગાહનું દબાણ રૂપ બાંધકામ આજે બપોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ નોટિસ અપાઈ હોવા છતાં દબાણ ન હટાવતા, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ આ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, દબાણ હટાવવાની આ કાર્યવાહીને પગલે શહેરમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. લગભગ 300 જેટલા યુવાનોના ટોળાએ ધમાલ મચાવીને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો. પથ્થરમારામાં પોલીસ સ્ટેશનનું બોર્ડ તૂટી ગયું હતું.
વર્ષો જૂનો વિવાદ અને મેગા ડિમોલેશન
મોરબીના મણીમંદિરની બાજુમાં આવેલી આ દરગાહ ગેરકાયદે બાંધકામ હોવાથી નગરપાલિકાએ જાન્યુઆરી 2022માં તેને દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. આ દબાણો દૂર ન થતાં, સપ્ટેમ્બર 2022માં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવવા માટે ગઈકાલે બપોરે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. ડિમોલિશન સ્થળે ચકલું પણ ના ફરકી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કાર્યવાહીમાં 10 જેસીબી અને 25 ડમ્પર સહિતના સાધનોની મદદ લેવાઈ હતી. માત્ર ત્રણ કલાકમાં જ 3500 ફૂટ જેટલી જગ્યા ખાલી કરીને કાટમાળનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.
ટોળાઓનો આક્રોશ અને બજારો બંધ
ડિમોલિશનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ટોળેટોળા એ-ડિવિઝન પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા. ગેસ્ટ હાઉસ રોડ, તખ્તસિંહજી રોડ અને પોલીસ મથક પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તંગદિલી વધતી જોઈને પોલીસે તોફાની ટોળાને વિખેરી દીધું હતું અને સમગ્ર શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તકેદારીના ભાગરૂપે પરાબજાર, નગર દરવાજા ચોક, સોની બજાર, ગ્રીન ચોક, સાવસર પ્લોટ સહિતની મુખ્ય બજારો તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી અને સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું હતું.
શહેરમાં અશાંતિ ન ફેલાય તે હેતુથી મોરબી જિલ્લાના 600 પોલીસ કર્મચારીઓ સહિત બહારના 150 પોલીસ કર્મચારીનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો અને પાંચ ડીવાયએસપી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.
