Morbi Kamalam: 19 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબીની મુલાકાત લીધી હતી. તેમના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સયયે તેઓએ મોરબીની ખુમારીને બિરદાવી હતી. આ સાથે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો.
મોરબીમાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બિહારની ચૂંટણીમાં NDA ની જીત વિશે જણાવ્યું કે, જે લોકો ભાજપ અને NDA ના વળતા પાણીની વાત કરતા હતા તેમણે બિહારની જનતાએ જવાબ આપી દીધો છે. અને બહુમતીથી સરકાર બની છે. જે લોકો વળતા પાણીની વાત કરતા હતા તેઓ કાન ખોલીને સાંભળી લે કે, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ અને NDA ની સરકાર બનશે. બિહારમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠીયા બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા. મત બેંકની લાલચમાં ઘુસપેઠીયાઓના સમર્થનમાં રેલી કાઢી, પરંતુ જનતાએ ઘુસપેઠીયા મુક્ત બિહાર માટે ભાજપ અને એનડીએને મત આપ્યા હતા. ભાજપ સરકારનો સંકલ્પ છે કે, દેશભરમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીનો બહાર કાઢવામાં આવશે.
ભાજપા કાર્યાલયો જન કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણના પ્રતીક હોય છે. આજે મોરબી (ગુજરાત) ખાતે નવનિર્મિત ભાજપા જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન કર્યું.
— Amit Shah (@AmitShah) November 21, 2025
આ કાર્યાલય ભવનથી જનસેવાના કાર્યોને વધુ ગતિ મળશે અને કાર્યકર્તાઓ વધુ ઉર્જા સાથે જનસેવાના કાર્યો સરળતાથી કરી શકશે.
भाजपा के… pic.twitter.com/qf7tAwutvd
મોરબી કમલમનું ઉદ્ઘાટન
અમિત શાહે કમલમમાં ઉપલબ્ધ સુવિધાઓથી પ્રભાવિત થઈને કહ્યું કે, આ કાર્યાલયમાં કોન્ફરન્સ રૂમ, અધ્યક્ષનો રૂમ, મહાસચિવનું કાર્યાલય, મહિલા મોરચા અને મોરચાઓની ચેમ્બર, આઈટીની ચેમ્બર, ઓડિટોરિયમ, ભોજનની વ્યવસ્થા, કોલ સેન્ટર અને સૌથી અગત્યનું કામ લાઈબ્રેરી બનાવવાનું કામ આ કાર્યાલયમાં થયું છે. આપણી પાર્ટી ચાલવાનો આધાર નેતા નહીં પણ આપણું સંગઠન અને સિદ્ધાંતો છે. મોરબીનું કમલમ કાર્યાલય તમામ સુવિધાથી યુક્ત, આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવા વાળું કાર્યાલય બન્યું છે તે બદલ સૌ કાર્યકરોને હું અભિનંદન પાઠવું છું. આ કાર્યાલય ભાજપના પ્રચાર-પ્રસારનું એક મોટું કેન્દ્ર બનશે. મોરબીનો કાર્યક્રમ પૂર્ણ કરી અમિત શાહ હેલિકોપ્ટર મારફતે અમદાવાદ જવા રવાના થયા હતા.
અમિત શાહનું નિવેદન
અમિત શાહે જણાવ્યું હતું કે, ખૂબ લાંબા સમય બાદ મોરબી આવ્યો છું. મોરબી પંથક લડાયકોનો પંથક છે. ગમે તેવી મુસીબત આવે માનવીય ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે. હું નાનો હતો ત્યારે મોરબીમાં મચ્છુ નદીમાં જળ પ્રલય થયો હતો જેમાં આખું મોરબી તબાહ થઈ ગયું હતું. જો કોઈ બીજું શહેર હોત તો તે શહેરને ઉભા થવામાં લાંબો સમય લાગી જાત પરંતુ આજે કોઈ મોરબી જુએ તો લાગે કે જળ પ્રલયનું અહીં કોઈ નામોનિશાન પણ નથી.
મોરબીના વખાણ કર્યા
મોરબીમાં સિરામિક ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઉદ્યોગ માટે જરૂરી ચીજવસ્તુઓ જોઈએ તેમાંનું કશુ પણ મોરબીમાં ન હતું. પરંતુ મોરબીના પાટીદાર સમાજે નક્કી કર્યુ કે સિરામિક ઉદ્યોગ નાખવો તો વતનમાં જ નાખવો. આજે સિરામિક ઉદ્યોગ માટે સૌથી અનુકૂળ જગ્યા મોરબી બની ગયું છે. વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને પાણી પીતા કરવાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું છે. સિરામિક હોય કે પછી ઘડિયાળ દરેક ક્ષેત્રમાં મોરબીએ વિશ્વભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું છે.
આપણા સૌના માટે ભાજપનું કાર્યાલય એ આપણું બીજું ઘર છે. કાર્યાલય કેવું હોવું જોઈએ એનું મોડેલ કોઈને બતાવવું હોય તો હું અત્યાર સુધી તેલંગણા મોકલતો હતો પરંતુ હવે મોરબી મોકલીશ મોડેલ કાર્યાલય કેવું હોવું જોઈએ એ જોવું હોય તો મોરબીનું કમલમ કાર્યાલય જોવું જોઈએ. કાર્યાલય બનાવવા માટે જે કોઈએ મહેનત કરી છે તે તમામ કાર્યકરોને બિરદાવું છું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થશે અમિત શાહે સભામાં કહ્યું કે હું એક ભવિષ્યવાણી કરું છું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે તેવી ન થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમનો સંકલ્પ હતો કે ભાજપના કાર્યકરોનું સારું ઘડતર થાય, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી શકાય, કાર્યકરોનું પ્રશિક્ષણ સારી રીતે થઈ શકે તે તે માટે દેશના દરેક જિલ્લામાં કમલમ કાર્યાલયનું નિર્માણ થાય. મને કહેતા ગૌરવ થાય છે કે, આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભાજપનું કમલમ કાર્યાલય બની ચૂક્યું છે.
