Kheda Election 2026: ખેડા જિલ્લામાં ચૂંટણી પૂર્વે ભાજપનો વિજયી શંખનાદ, 11 બેઠકો બિનહરીફ કબજે કરી

ઠાસરા નગરપાલિકામાં વોર્ડ નં. 4ની બે અને વોર્ડ નં. 6ની ત્રણ મળી કુલ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ મતદાન પૂર્વે જ મેદાન ફતેહ કર્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 12 Apr 2026 05:41 PM (IST)Updated: Sun 12 Apr 2026 05:41 PM (IST)
big-boost-for-bharatiya-janata-party-11-seats-won-uncontested-in-kheda-election-2026-726862
HIGHLIGHTS
  • ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષની રણનીતિ સદંતર નિષ્ફળ

Kheda: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મજબૂત રાજકીય ગઢ સાબિત કરી દીધો છે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની કુલ 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ જાહેર થયા છે.

વિરોધ પક્ષો દ્વારા ફોર્મ ન ભરાતા અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ પરત ખેંચાતા મતદાન પહેલા જ ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ખેડા જિલ્લામાં આ વખતે વિપક્ષી રણનીતિ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોય તેમ જણાય છે, જ્યારે ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ખાસ કરીને મહેમદાવાદ, નડિયાદ અને ઠાસરા પંથકમાં વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડી દેતા ભાજપનું પલડું ભારે રહ્યું છે. આ જીત ભાજપની સંગઠન શક્તિ અને ગ્રામ્ય સ્તરે મતદારો પરની પકડ દર્શાવે છે.

બિનહરીફ થયેલી બેઠકોના વિગતવાર આંકડા મુજબ, મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જેમાં કાછઇ બેઠક પરથી પ્રથમવાર તક મેળવનાર હેતલબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને છાપરા બેઠક પરથી રસ્મિકાબેન રાજકમલ પટેલ વિજેતા થયા છે.

આ ઉપરાંત મહેમદાવાદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ વોર્ડ નંબર 1 અને 5 ની બેઠકો બિનહરીફ થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નડિયાદ તાલુકા પંચાયતમાં ત્રણ બેઠકો પર કેસરીયો લહેરાયો છે, જેમાં ચલાલીથી શોભનાબેન નવીનભાઇ સોઢા, ભૂમેલથી ઉષાબેન અમૃતસિંહ રાઠોડ અને નરસંડાથી મનિષાબેન સુનિલકુમાર તડવી બિનહરીફ જાહેર થયા છે.

સૌથી નોંધપાત્ર દેખાવ ઠાસરા નગરપાલિકામાં જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ નં. 4 ની બે અને વોર્ડ નં. 6 ની ત્રણ મળી કુલ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત ખેડા તાલુકાની પરસાતજ બેઠક પર પણ ભાજપની જીતનો પતાકા લહેરાયો છે.

ચૂંટણી પૂર્વે જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા આગામી સમયમાં અન્ય બેઠકો માટે યોજાનારા મતદાન માટે ભાજપનો જુસ્સો બમણો થયો છે.

બીજી તરફ, વિપક્ષ માટે હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર ઉભો થયો છે. હજુ પણ કેટલીક બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલુ હોવાથી આગામી બે દિવસ જિલ્લાના રાજકારણમાં ભારે ખેંચતાણ જોવા મળી શકે છે.