Kheda Rain: ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. જેને લીધે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા મુજબ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તારીખ 25 જુલાઈ સવારના 06:00 વાગ્યાથી 26 જુલાઈ સવારના 06:00 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે,
નડિયાદમાં સૌથી વધારે વરસાદ
ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં નોંધાયો છે, જ્યાં 24 કલાકમાં 3.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ માતર તાલુકામાં 1.54 ઈંચ અને મહુધામાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. કઠલાલ તાલુકામાં પણ મેઘરાજાએ સારી હાજરી પુરાવી છે અને ત્યાં 1.14 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અન્ય તાલુકાઓની સ્થિતિ
જિલ્લાના અન્ય તાલુકાઓની વિગતે વાત કરીએ તો, વસોમાં 0.98 ઇંચ, મહેમદાવાદમાં 0.91 અને ઠાસરામાં 0.94 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ખેડા તાલુાકમાં 0.79 ઇંચ અને કપડવંજમાં 0.75 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગલતેશ્વર તાલુકામાં 0.55 ઈંચ અને ફાગવેલમાં 0.43 ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં વરસી રહેલા આ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જે આગામી સમયમાં ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ખેડા જિલ્લાના 24 કલાકનાં વરસાદી આંકડા
- નડિયાદ: 3.31 ઈંચ
- માતર: 1.54 ઈંચ
- મહુધા: 1.38 ઈંચ
- કઠલાલ: 1.14 ઈંચ
- વસો: 0.98 ઈંચ
- ઠાસરા: 0.94 ઈંચ
- મહેમદાવાદ: 0.91 ઈંચ
- ખેડા: 0.79 ઈંચ
- કપડવંજ: 0.75 ઈંચ
- ગલતેશ્વર: 0.55 ઈંચ
- ફાગવેલ: 0.43 ઈંચ
26 જુલાઈના રોજ સવારે 06 થી 08 વાગ્યા સુધીના વરસાદના આંકડા
- ફાગવેલ:0.16 ઇંચ
- વસો:0.04 ઇંચ
