Kheda Rainfall Report: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, જેમાં મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં સારો એવો વરસાદ ખાબકી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરલ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા મુજબ, 31 જુલાઈ સવારના 6 વાગ્યાથી 1 ઓગસ્ટ સવારના 6 વાગ્યા સુધીમાં ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદસ ખાબક્યો છે. ખાસ કરીને વસો અને નડિયાદમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે.
નડિયાદ અને વસોમાં આભ ફાટ્યું
ખેડા જિલ્લામાં સર્વાધિક વરસાદ વસો તાલુકામાં ખાબક્યો છે. અહીં માત્ર 24 કલાકમાં 16.38 ઇંચ જેટલો તોતિંગ વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ તાલુકાની વાત કરીએ તો, મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં 13.43 ઇંચ જેટલો વરસાદ ઝીંકાયો છે. આ ભારે વરસાદને પગલે માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં મેઘમહેર
વસો અને નડિયાદ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મહુધા તાલુકામાં 9.72 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માતર તાલુકામાં 6.73 ઈંચ વરસાદ પડ્યો છે. મહેમદાવાદ અને કઠલાલ પંથકમાં પણ પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા નીચે મુજબ છે:
- મહેમદાવાદ: 5.71 ઈંચ
- કઠલાલ: 5.59 ઈંચ
- ખેડા (તાલુકો): 5.51 ઈંચ
- કપડવંજ: 4.88 ઈંચ
ઠાસરા અને ગાલતેશ્વરમાં પણ ધીમી ધારે વરસાદ
જિલ્લાના ઠાસરા અને ગાલતેશ્વર તાલુકામાં એક સમાન 2.91 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ફાગવેલ વિસ્તારમાં 2.72 ઈંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર ખેડા જિલ્લામાં થયેલા આ સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. જોકે, ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
