Kheda Rain News: ખેડા તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે વાંટડી ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરીમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે ઇન્દિરા નગરીના 15 થી 20 જેટલા મકાનોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત સમગ્ર રહેણાંક વિસ્તારની આસપાસ પણ મોટા પ્રમાણમાં પાણી જમા થઈ જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શુક્રવારે બપોર પછી ત્વરિત કામગીરી
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શુક્રવારે બપોર પછી ખેડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) અને સ્થાનિક તલાટી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારમાંથી આશરે 60 જેટલા લોકોને સુરક્ષિત રીતે વાંટડી પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.

વહીવટી તંત્રની લોકોને અપીલ
રાત્રિના સમયે પાણીનું સ્તર વધુ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોઈ અણબનાવ કે દુર્ઘટના ન ઘટે તે માટે રહીશોને પ્રાથમિક શાળામાં આશ્રય લેવા અપીલ કરવામાં આવી હતી.
સ્થળાંતરિત પરિવારો માટે મેડિકલ અને ભોજનની વ્યવસ્થા
પ્રાથમિક શાળામાં આશ્રય લઈ રહેલા તમામ 60 અસરગ્રસ્તો માટે તાલુકા તંત્ર દ્વારા રહેવાની સાથે સાથે જમવાની તથા જરૂરી મેડિકલ સેવાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઇન્દિરા નગરી વિસ્તારમાંથી પાણી સંપૂર્ણપણે ઓસરશે નહીં ત્યાં સુધી આ પરિવારોને પ્રાથમિક શાળામાં જ રાખવામાં આવશે.

નીચાણવાળા વિસ્તારો માટે તંત્ર એલર્ટ
આ પરિસ્થિતિને પગલે ખેડા પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ દ્વારા વાંટડી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે. તાલુકાના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા અને જરૂર જણાય તો તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
