Kheda news: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામમાં ગત મોડી રાત્રે એક કરુણ ઘટના સામે આવી છે. નેસ ગામમાં આવેલા એક ઘરમાં નિરાંતે સૂઈ રહેલા એક પરિવાર પર દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ નીચે દટાઈ જવાથી પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી.
દિવાલ ધરાશાયી થતાં પરિવાર દબાયો
મળતી વિગત મુજબ, ઠાસરાના નેસ ગામે આવેલા વાળંદ ફળિયામાં એક મકાનમાં પાંચ લોકોનો પરિવાર આરામથી સૂઈ રહ્યો હતો. તેવામાં ઘરની જર્જરિત દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં પરિવારના તમામ લોકો દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક પરિવારના સભ્યોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચે દબાયેલા પાંચ સભ્યોને ગંભીર સ્થિતિમાં બહાર કાઢ્યા હતા.
કાટમાળ નીચે દબાતા સાસુ-વહુનાં મોત
દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી સાસુ પૂનમબેન અને પૂત્રવધુ સોહમ બેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થું હતું. જ્યારે પરિવારના પુત્ર પ્રવીણભાઈ અને 8 વર્ષની અને, 13 વર્ષની દિકરી કાટમાળમાંથી હેમખેમ નીકળી ગયા હતા. જોકે, આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બંને બાળકીઓને નાની મોટી ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર કેન્દ્રે ખસેડાઈ હતી.
બાળકીઓને નડિયાદ સિવિલ હોસ્પિટલે ખસેડાઈ
બંને બાળકીઓને વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલે લઈ જવાઈ છે. જ્યાં બંને બાળકીઓની સારવાર કરવામાં આવી રહી છે. નેસ ગામમાં બનેલી આ હ્રદયદ્રાવક ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. તેમજ બે મોત અંગે સ્થાનિક પોલીસ અને તંત્રને જાણ કરાતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
