Kheda: મહીસાગર નદી પરના બ્રિજને પુનઃ શરૂ કરવાની પ્રબળ માંગ, સેવાલિયામાં પાંચ ગામોના સરપંચોનું ઉપવાસ આંદોલન

સેવાલિયામાં મહીસાગર નદી પરનો બ્રિજ બંધ હોવાથી ખેડા, મહીસાગર અને વડોદરા જિલ્લાના ગ્રામજનો 15 કિલોમીટર વધારાનો ફેરો ફરવા મજબૂર.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 07 Oct 2025 03:50 PM (IST)Updated: Tue 07 Oct 2025 03:50 PM (IST)
kheda-news-sarpanch-of-5-villages-on-fasting-protest-over-bridge-on-mahisagar-river-616320
HIGHLIGHTS
  • ઉપવાસ પર બેઠેલામાં સગર્ભા મહિલા સરપંચ પણ સામેલ
  • મહીસાગર નદીનો બ્રિજ 10, જુલાઈ 2025થી બંધ હાલતમાં

Kheda: ખેડા જિલ્લાને પંચમહાલ સાથે જોડતા સેવાલિયા ખાતે આવેલ મહીસાગર નદીનો બ્રિજ છેલ્લા ત્રણ મહિનાથી બંધ પડ્યો હોવાને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બ્રિજને ફરી શરૂ કરાવવા માટે આજથી સેવાલિયા ગામે રસ્તાની બાજુમાં પાંચ ગામના સરપંચોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના અનેક જર્જરિત બ્રિજોની તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન સુરક્ષા કારણોસર સેવાલિયા ખાતેનો મહીસાગર નદીનો બ્રિજ 10 જુલાઈ 2025 ના રોજ બે મહિના માટે તાત્કાલિક બંધ કરાયો હતો. જો કે હવે ત્રણ મહિના વીતી ચૂક્યા હોવા છતાં પણ બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે આસપાસના વિસ્તારોના લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે.

આ બ્રિજ બંધ થતાં ખેડા, મહીસાગર અને વડોદરા જિલ્લાના ગ્રામજનોને લગભગ 15 કિલોમીટરનો વધારાનો ફરવો કરવો પડે છે. રોજિંદા મુસાફરો ઉપરાંત વેપારીઓના ધંધા પણ ભારે અસર પામ્યા છે. બ્રિજ બંધ હોવાથી માર્ગ પરથી પસાર થતી વાહન વ્યવહારની અછતને કારણે વેપાર મંડીઓમાં મંદીનો માહોલ છે.

આ બ્રિજને પુનઃ શરૂ કરાવવા માટે સરપંચોએ અગાઉ ઠાસરા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું, જેમાં અધિકારીએ દસ દિવસમાં બ્રિજ ખોલવાની ખાતરી આપી હતી. જો કે સરકારી વચનો અમલમાં ન આવતા અંતે સરપંચોએ ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ આંદોલનમાં વડોદરા જિલ્લાના વચ્ચેસર ગામની સગર્ભા મહિલા સરપંચ પણ જોડાઈ છે, જે સ્થાનિકોની વ્યથા અને સંકલ્પ બંનેને વધુ ગંભીર બનાવે છે.

સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લઈને બ્રિજ પુનઃ શરૂ કરવા માંગ કરી છે જેથી લોકોની આવજાવમાં સહજતા આવે અને રોજિંદા જીવનમાં થતી તકલીફો દૂર થાય.