Nadiad News: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અને વ્યાપક અસર ખેડા જિલ્લાના જળાશયો અને નદી મંડળ પર જોવા મળી રહી છે. ઉપરવાસમાંથી સતત પાણી છોડાતાં અને કેચમેન્ટ વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે, કાર્તિકી પૂનમના પ્રસિદ્ધ લોકમેળા માટે વિશ્વભરમાં જાણીતા વૌઠા અને પાલ્લા નજીક આવેલા ઐતિહાસિક સપ્તનદી સંગમ ખાતે પૂરના પાણીની અભૂતપૂર્વ આવક નોંધાઈ છે.
સંગમ પામતી તમામ સાત નદીઓ-સાબરમતી, વાત્રક, શેઢી, માઝમ, મેશ્વો, ખારી અને હાથમતીમાં નવા નીરનો તોતિંગ જથ્થો ઠલવાઈ રહ્યો છે. વિશેષ કરીને સાબરમતી અને વાત્રક નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર નજીક પહોંચી જતાં આખો સંગમ વિસ્તાર જળમગ્ન બન્યો છે. દુર-દુર સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જેના કારણે નદીઓ કોઈ વિશાળ દરિયામાં ફેરવાઈ ગઈ હોય તેવા મનમોહક પરંતુ સાથે જ ભયાનક દ્રશ્યો સર્જાયા છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સક્રિય થઈ ગઈ છે. નદી કિનારે આવેલા વૌઠા, પાલ્લા તથા આસપાસના નીચાણવાળા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સ્થાનિક સરપંચો, તલાટીઓ અને પોલીસ તંત્રને નદી કાંઠે સતત પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને સચેત રાખવા આદેશ અપાયા છે. ગ્રામજનોને પોતાના ઢોર-ઢાંખર સાથે નદીના પટમાં ન જવા તથા સુરક્ષિત સ્થળે રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોઈપણ અણબનાવને પહોંચી વળવા માટે ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સપ્તનદી સંગમ વિસ્તારની પાણીની સપાટી પર ૨૪ કલાક સતત વોચ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્કતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
