Kaun Banega Crorepati: કૌન બનેગા કરોડપતિ (KBC) માં પહોંચવું દેશના લાખો લોકોનું સ્વપ્ન હોય છે. આ સ્વપ્નને નડિયાદના એસઆરપી ગ્રુપ-7 માં ફરજ બજાવતા PSI સંતોષકુમાર કતીરિયાએ સાકાર કરી નડિયાદ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓ લોકપ્રિય શોના ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ રાઉન્ડમાં ટોપ-10માં પસંદ થયા હતા. અમિતાભ બચ્ચન સાથેના તેમના અનુભવોને તેઓએ ગુજરાતી જાગરણ સાથે હર્ષભેર વાગોળ્યા હતા.

સફળતા પાછળનું રહસ્ય જણાવ્યું
સંતોષ કુમારે જણાવ્યું કે, દર વર્ષે રજીસ્ટ્રેશન કરવા છતાં તક ન મળતી, પરંતુ આ વર્ષે ભાગ્યે સાથ આપ્યો અને તેઓ ઓડિશન રાઉન્ડ પાર કરી શક્યા. “અમિતાભ બચ્ચનને પ્રથમવાર સામે જોયા ત્યારે હું પોલીસકર્મી હોવા છતાં અંદરથી હચમચી ગયો હતો. ટીવી પર દેખાતા મહાનાયક સાક્ષાત સામે હોય તે ક્ષણ શબ્દોમાં વર્ણવી ન શકાય.”

જુઓ બચ્ચન વિશે શું કહ્યું
અમિતાભ બચ્ચનના સ્વભાવની પ્રશંસા કરતાં તેમણે ઉમેર્યું કે, બચ્ચન સાહેબ અત્યંત વિનમ્ર, દયાળુ અને સૌજન્યપૂર્ણ છે. “તેઓ દરેક સ્પર્ધકને એવી રીતે પ્રોત્સાહન આપતા હતા જાણે પિતા પોતાના સંતાનને સહારો આપે.” શૂટિંગ દરમિયાન વિતાવેલા પાંચ દિવસોને સંતોષકુમારે પોતાના જીવનના સર્વોત્તમ દિવસો ગણાવ્યા હતા.

જ્યારે અમિતાભ બચ્ચને “સંતોષકુમાર કતીરિયા, નડિયાદ, ગુજરાત” કહીને સ્ટેજ પર બોલાવ્યા ત્યારે તેમને ગર્વની અનોખી લાગણી અનુભવી હતી. શોના અંતિમ દિવસે બચ્ચન સાહેબે હાથ મિલાવી જણાવ્યું હતું, “ફરી તક મળે તો ફરીથી પ્રયત્ન કરજો.”
સિલેક્શનની પ્રક્રિયા વિશે જાણો
KBC ની સિલેક્શન પ્રક્રિયા વિશે વાત કરતા સંતોષ કુમારે જણાવ્યું કે એપ્રિલ–મે મહિનામાં રજિસ્ટ્રેશન શરૂ થાય છે. પ્રથમ તબક્કે IVR કોલ દ્વારા પ્રશ્નો પૂછાય છે. યોગ્ય જવાબ પછી મુંબઈમાં વ્યક્તિગત ઓડિશન લેવાય છે. ભાષાકીય ઈન્ટરવ્યૂ બાદ તેમને ટોપ-10 માં સ્થાન મળ્યું હતું.
સંતોષ કુમારનું શૂટિંગ 17 થી 20 નવેમ્બર દરમિયાન થયું હતું અને એપિસોડ 24 થી 27 નવેમ્બર વચ્ચે પ્રસારિત થશે. તેમની આ સફળતા માત્ર નડિયાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ દળ માટે પણ ગૌરવની બાબત બની છે.
