Nadiad Accident: નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં, ખાસ કરીને પીજ રોડ અને આસપાસના વિસ્તારોમાં, રખડતા આખલાઓનો ત્રાસ ભયજનક સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં આખલાઓ વચ્ચેના યુદ્ધની આ ચોથી ગંભીર ઘટના નોંધાઈ છે, જેના કારણે શહેરજનોમાં મહાનગરપાલિકા સામે ભારે આક્રોશ ફેલાયો છે. તાજેતરમાં નીલકંઠ મહાદેવ મંદિર નજીક માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
યુવકને હવામાં ફંગોળ્યો
આ ઘટનામાં મુકેશ પરમાર નામના યુવકને ગંભીર ઈજા પહોંચી છે. મુકેશ આ ઝઘડતા આખલાઓને શાંત પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે એક ગુસ્સાયેલા આખલાએ તેને પાછળથી જોરદાર ગોથું મારી હવામાં લગભગ 9 ફૂટ ઊંચો ફંગોળી દીધો હતો. મુકેશને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ જ આખલાઓએ આગળ જતાં અન્ય ત્રણ લોકોને પણ ઈજા પહોંચાડી હતી અને ભાગી છૂટ્યા હતા. ચારેય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
નબળી ઢોર નિયંત્રણ કામગીરી સામે આક્રોશ
સ્થાનિક રહેવાસીઓ મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પશુ પકડવાની સિસ્ટમ નબળી પડવાને કારણે શહેરી વિસ્તારમાં રખડતાં ઢોરોની સંખ્યા સતત વધી રહી છે. એક મહિનામાં ચાર ગંભીર ઘટનાઓ થવી એ ઢોર નિયંત્રણ ટીમની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે.
પીડિતો અને વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો કોઈ મોટા અકસ્માત કે જાનહાનિ પણ થઈ શકે છે. સ્થાનિકોએ તાત્કાલિક પગલાં લેવા, ઢોર પકડવાની કામગીરી સુચારુ બનાવવા અને જોખમી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. નગરજનો હવે મહાનગરપાલિકા અસરકારક કાર્યવાહી કરે તેવી રાહ જોઈ રહ્યા છે.
