Narmada Heavy Rain: નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા આકાશી આફત જેવા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાર્વત્રિક રીતે સરેરાશ 13 ઇંચથી વધુ વરસાદ નોંધાતાં નદી-નાળાઓ છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
અનેક રસ્તાઓ ધોવાઈ જતાં સંપર્ક વિહોણા બનેલા ગામડાઓમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ, એસડીઆરએફ (SDRF) અને વહીવટી ટીમો સતત એલર્ટ મોડ પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં જોખમી વિસ્તારોમાંથી 30થી વધુ પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તિલકવાડાના ગૌચરીયા ગામે પૂરના પ્રવાહમાં ફસાયેલી એક વ્યક્તિ તેમજ સુરવા ગામે ફસાયેલા છ લોકોને SDRFની ટીમે સમયસૂચકતા વાપરીને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોને ઉગારી લેવામાં આવ્યા છે.
ગરુડેશ્વર તાલુકામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ઝેર અને ખરકડા જેવા ગામોમાં પૂરના પાણી ઘરો સુધી પહોંચી જતાં લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
તેમણે સ્થાનિક લોકોની આપવીતી સાંભળી સાંત્વના પાઠવી હતી અને અધિકારીઓને તાત્કાલિક રાહત સહાય પૂરી પાડવા તથા ધોવાઈ ગયેલા રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવા માટે કડક આદેશ આપ્યા હતા.
વરસાદના કારણે જિલ્લાના નાના-મોટા જળાશયો છલકાઈ રહ્યા છે. સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ 70 ટકા જેટલો ભરાઈ જતાં તેને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. ડેમની સપાટી 185.85 મીટરે પહોંચતાં નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
પાટ-દાતવાડા માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
