નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, 7 ગામો સંપર્કવિહોણા, કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાશે

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. 7 અંતરિયાળ ગામો સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 23 Jul 2026 02:41 PM (IST)Updated: Thu, 23 Jul 2026 02:41 PM (IST)
narmada-heavy-rain-rivers-in-flood-7-villages-cut-off-karjan-dam-water-release

Narmada Heavy Rain: નર્મદા જિલ્લાના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાના જંગલ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં વહેલી સવારથી જ તૂટી પડેલા આકાશી અને મૂશળધાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. તોફાની વરસાદ અને પૂરની સ્થિતિને પગલે બંને તાલુકાના જનજીવન અને માર્ગ વ્યવહાર પર માઠી અસર પડી છે.

ડાઇવર્ઝન તણાયું: 7 અંતરિયાળ ગામોનો સંપર્ક કપાયો

વરસાદના કારણે ચિકદા તાલુકા હેઠળ આવતા ઉમરાણ ગામે નદી પર બનાવેલું કામચલાઉ ડાઇવર્ઝન પૂરના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયું છે. ડાઇવર્ઝન તણાઈ જતાં ઉમરાણ અને તેની આસપાસના આશરે 7 જેટલા અંતરિયાળ ગામોનો તાલુકા તેમજ જિલ્લા મથક સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તો બંધ થઈ જતાં ઇમરજન્સી સેવાઓ અને તમામ પ્રકારનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

naidunia_image

કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાશે

ઉપરવાસમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે નર્મદાના મહત્વકાંક્ષી કરજણ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. ડેમનું રુલ લેવલ જાળવી રાખવું અનિવાર્ય બનતાં વહીવટી તંત્ર દ્વારા બપોરે 12 વાગ્યે કરજણ ડેમના 2 દરવાજા ખોલીને કરજણ નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાવાનું હોવાથી નદી કિનારે આવેલા તમામ નીચાણવાળા ગામોને તાત્કાલિક અસરથી 'હાઇ એલર્ટ' કરી દેવામાં આવ્યા છે.

naidunia_image

મુખ્ય માર્ગો જળમગ્ન: તંત્રની નાગરિકોને અપીલ

અવિરત વરસાદના કારણે ડેડીયાપાડાથી સાગબારા તરફ જતા તમામ મુખ્ય માર્ગો અને ચેકપોસ્ટ એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા ડેડીયાપાડા અને સાગબારાને જોડતા તમામ માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગે સ્થાનિક લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા તેમજ તૂટેલા ડાઇવર્ઝન કે ઓવરફ્લો થતાં નાળાં ઓળંગવાનો સાહસિક પ્રયાસ ન કરવા કડક અપીલ કરી છે. સમગ્ર ડિઝાસ્ટર ટીમ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.