Narmada Heavy Rain: ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી નર્મદા જિલ્લામાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી છે. ગઈકાલે પણ વરસાદી માહોલ બાદ આજે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 31/07/2026 ના રોજ સવારે 06:00 થી 08:00 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સાગબારા અને ગરૂડેશ્વર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે.
સાગબારા અને ગરૂડેશ્વરમાં સૌથી વધુ વરસાદ
જિલ્લાના સાગબારા અને ગરૂડેશ્વર તાલુકાઓમાં સવારે 06:00 થી 08:00 દરમિયાન 118 mm એટલે કે આશરે 4.65 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે,. ટૂંકા ગાળામાં પડેલા આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
અન્ય તાલુકાઓની સ્થિતિ
નર્મદા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારના સમયે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે:
- નાંદોદ: અહીં 90 mm (3.54 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- તિલકવાડા: તિલકવાડા તાલુકામાં 80 mm (3.15 ઇંચ) વરસાદ પડ્યો છે.
- ચિકદા: અહીં 26 mm (1.02 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકામાં 12 mm (0.47 ઇંચ) જેટલો ધીમો વરસાદ રહ્યો છે.
નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં સવારના આ 2 કલાક દરમિયાન વરસાદની દ્રષ્ટિએ મોખરે રહ્યો છે, જેમાં સાગબારા અને ગરૂડેશ્વર તાલુકાઓ રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા તાલુકા બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવા અને નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ
નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો ગરૂડેશ્વરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગરૂડેશ્વર તાલુકામાં 54 mm (2.13 ઇંચ) નોંધાયો છે. સાગબારા તાલુકામાં પણ 26 mm (1.02 ઇંચ) જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે,. તેવી જ રીતે ડેડિયાપાડા તાલુકામાં 21 mm (0.83 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ બંને તાલુકાઓમાં પણ વહેલી સવારના સમયગાળામાં જ વરસાદની વધુ તીવ્રતા જોવા મળી હતી. જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, ચીકડામાં 17 mm વરસાદ નોંધાયો છે. નાંદોદ તાલુકામાં 14 mm વરસાદ પડ્યો છે, જ્યારે તિલકવાડામાં 10 mm વરસાદ નોંધાયો છે. તિલકવાડામાં વરસેલો તમામ 10 mm વરસાદ સવારે 4 થી 6 વાગ્યાના બે કલાકના ગાળામાં જ નોંધાયો હતો.
31 જુલાઈ 2026 ના રોજ સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા :
- ગરુડેશ્વર: કુલ 142 મીમી (5.59 ઈંચ) વરસાદ નોંધાયો છે
- સાગબારા: કુલ 134 મીમી (5.28 ઈંચ) વરસાદ નોંધાયો છે.
- નાંદોદ: કુલ 112 મીમી (4.41 ઈંચ) વરસાદ નોંધાયો છે.
- તિલકવાડા: કુલ 103 મીમી (4.06 ઈંચ) વરસાદ નોંધાયો છે.
- ડેડીયાપાડા: કુલ 69 મીમી (2.72 ઈંચ) વરસાદ નોંધાયો છે
- ચિકદા: કુલ 36 મીમી (1.42 ઈંચ) વરસાદ નોંધાયો છે.
રાજપીપળા સેન્ટર હોમ ખાતે સ્થળાંતરિતો માટે સુવિધાઓ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાજપીપળાના નરસિંહ ટેકરી વિસ્તારના રહેવાસીઓનું ગઈ રાતથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સ્થળાંતરિત નાગરિકોને રાજપીપળા નગરપાલિકા સેન્ટર હોમ ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારે ત્યાં રોકાયેલા તમામ નાગરિકો માટે જિલ્લા તંત્ર અને રાજપીપળા નગરપાલિકાના સંકલનથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારે વરસાદ વચ્ચે નર્મદા પોલીસની સતર્ક કામગીરી
નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા નદીના કિનારા, બ્રિજ અને સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, બિનજરૂરી રીતે નદી, બ્રિજ કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જાય, પોલીસ અને જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત રહે.
અનારાધાર વરસાદના કારણે નદીઓમાં પૂર આવી ગયા હતા. જેમા સુરક્ષાના ભાગ રૂપે અમુક માર્ગો બંધ કરી દેવાયા હતા.
ભારે પવન અને વરસાદના કારણે દેડિયાપાડા તાલુકાના ગંગાપૂર ગામે રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેને હટાવવાની કામગીરી કરાઈ હતી.
