નર્મદાના કંજાલ ગામે રસ્તા-પુલના અભાવે લોકો મુશ્કેલીમાં, ગ્રામજનોએ વહેતી નદીમાં ઝોળીમાં ઊંચકી પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કંજાલ ગામે રસ્તો કે પુલ ન હોવાથી ગર્ભવતી મહિલાને ગ્રામજનોએ ઝોળીમાં ઊંચકી વહેતી નદી પાર કરાવી 108 સુધી પહોંચાડી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 04 Aug 2026 12:11 AM (IST)Updated: Tue, 04 Aug 2026 12:11 AM (IST)
narmada-kanjal-villagers-carry-pregnant-woman-due-to-poor-road

Narmada Dediapada News: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ કંજાલ ગામે વિકાસના દાવાઓની પોલ ખોલતી માનવતાને હચમચાવતી ઘટના સામે આવી છે. ગામમાં પાયાની સુવિધાઓ અને પાકા રસ્તાના અભાવે અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં જવનીબેન તુષારભાઈ વસાવાને 20થી 25 ગ્રામજનોએ જીવના જોખમે ઝોળીમાં બેસાડીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી.

પ્રસૂતિની પીડા ઉપડી પણ 108 ગામ સુધી ન પહોંચી શકી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ કંજાલ ગામે વિકાસના દાવાઓની પોલ ખોલતી અને માનવતાને હચમચાવતી ઘટના સામે આવી છે. ગામમાં પાયાની સુવિધાઓ અને પાકા રસ્તાના અભાવે અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં જવનીબેન તુષારભાઈ વસાવા નામના મહિલા મુશ્કેલીમાં મુકાયા હતા. ગામ સુધી પહોંચવાનો રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ આવી શકી નહોતી, જેથી 20થી 25 ગ્રામજનોએ જીવના જોખમે તેમને લાકડા અને કપડાની ઝોળીમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી હતી.

ધસમસતા પાણીમાં માનવ સાંકળ બનાવી નદી પાર કરી

મુખ્ય માર્ગ તરફ જતાં વચ્ચે આવતી ટૂંકનેર નદીમાં ચોમાસાના કારણે પાણીનો ભારે પ્રવાહ હતો. છતાં, ગ્રામજનોએ હિંમત હાર્યા વગર એકબીજાનો હાથ પકડીને માનવ સાંકળ બનાવી સાવચેતીપૂર્વક મહિલાને સુરક્ષિત રીતે નદી પાર કરાવી હતી. અંદાજે 2 કિલોમીટર સુધી આ રીતે કાદવ-કીચડ અને કાચા રસ્તે ચાલીને મુખ્ય માર્ગ પર પહોંચ્યા હતા, જ્યાંથી અગાઉથી જ તૈયાર રહેલી 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પાયાની સુવિધાઓથી વંચિત

સ્થાનિક સામાજિક કાર્યકર રાહેશભાઈ વસાવા અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ડેડીયાપાડાના અનેક આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પુલ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓનો આજદિન સુધી ભારે અભાવ છે. ગંભીર બીમારી કે પ્રસૂતિ જેવા કટોકટીના સમયે સ્થાનિકોએ અવારનવાર આવી ગંભીર અને જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

તંત્ર સામે ગંભીર સવાલો

આ ઘટનાએ એક તરફ કંજાલ ગામના લોકોની અદભુત એકતા અને માનવતાનું દર્શન કરાવ્યું છે, તો બીજી તરફ વહીવટી તંત્રના વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. ચિંતાતુર ગ્રામજનોએ હવે સરકાર અને તંત્ર સમક્ષ વહેલી તકે પાકો રસ્તો અને ટૂંકનેર નદી પર પાકો પુલ બનાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.