Narmada News: નર્મદા જિલ્લામાં પ્રવાસે પધારેલા ગુજરાતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેડિયાપાડા તાલુકાના સોલિયા ગામના આવી પહોંચ્યા હતા. જ્યાં ગામના લોકોએ ઢોલ-નગારા નાદ સાથે કંકુ તિલક કરી ફૂલહાર સાથે તેમજ સોલિયા શાળાના વિધાર્થીઓએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.
જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવણી
આ વેળાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડા જન્મજયંતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.

વડાપ્રધાનના કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરા માતાના મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ દેડિયાપાડા ખાતે આયોજિત બિરસા મુંડાની 150મી જન્મજયંતિના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશભરના લોકોને સંબોધિત કરશે.
પરિવાર સાથે વડાપ્રધાન કાર્યક્રમમાં સહભાગી થવા ખાસ અનુરોધ
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જનજાતિય ગૌરવ દિવસની આ વિશાળ ઉજવણીને લઈને સ્થાનિક લોકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી રહી છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. નાયબ મુખ્યમંત્રીએ સોલિયા, કંકાલા, જાનકી આશ્રમ સહિતના ગામોમાં લોકોને આમંત્રણ આપી પરિવાર સાથે વડાપ્રધાન કાર્યક્રમમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. સાથે શાળાના વિધાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. વિવિધ ગામોની મુલાકાત દરમિયાન કંકાલા ગામે આદિવાસી આદિવાસી પારંપારિક ભોજનમાં હુઅનાઅ માડાની લિજ્જત માણી હતી.

કાર્યક્રમ પૂર્વે સ્થળ નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પૂર્વે સ્થળ નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ હતું. જેમાં રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વનમંત્રી અને માંગરોલના ધારાસભ્ય ગણપણ વસાવા, નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર એ.કે.મોદી, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, જિલ્લાના અગ્રણી નીલ રાવ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રીની દેડિયાપાડા તાલુકામાં વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારી -કર્મચારીઓ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં
