Narmada: નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્ટૂ ઑફ યુનિટી નજીક કોયરી ગામ નજીક પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીકના કોયરી ગામ પાસે નિઝામુદ્દીનથી એકતાનગર ટ્રેન નીચે એક યુવક અને યુવતીએ પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
જ્યાં પ્રેમીયુગલના શરીરના કટકે-કટકા થઈ ગયા હતા. જેથી પોલીસે બન્નેના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ નયન વિજય તડવી (21) તરીકે થઈ હતી, જે ગરુડેશ્વરના વાડી ફળિયામાં રહેતો હતો અને વિધવા માતાનો એકનો એક દીકરો હતો. જ્યારે તેની પ્રેમિકા સગીર હોવાનું માલૂમ પડ્યું હતુ.
નયન અને સગીરા દોઢેક વર્ષથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જો કે પરિવાર અને સમાજ પોતાના પ્રેમસબંધને નહીં સ્વીકારે તેવી આશંકાએ તેમણે મોતને વ્હાલુ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
હાલ તો પોલીસે ઘટના સ્થળેથી મૃતક નયનનું બાઈક અને બેગ કબજે કરીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
