Narmada News: દિલ્લીમાં બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ ચુસ્ત બની ગઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું છે. ખાસ કરીને મોટા પ્રવાસન ધામો, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે.
નર્મદા જિલ્લા(Narmada District)ના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હાલમાં “ભારત પર્વ” ની ઉજવણી ચાલી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન દરરોજ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો, મંત્રીઓ અને અન્ય વિવિઆઈપી મહેમાનો ઉપસ્થિત રહે છે. એ ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારની સુરક્ષાને વધુ કડક બનાવી દેવામાં આવી છે. પોલીસ તંત્ર ઉપરાંત ડોગ સ્ક્વોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો સતત ચેકીંગ કામગીરીમાં જોડાઈ છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue of Unity), નર્મદા ડેમ અને આસપાસના વિસ્તારોમાં આવતા દરેક પ્રવાસીઓના સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. હોટલ, રિસોર્ટ, બસ સ્ટેન્ડ અને પાર્કિંગ વિસ્તારોમાં પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની સીમા સાથે જોડાયેલો હોવાથી બોર્ડર પર પણ સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન રાજ્યમાં પ્રવેશ ન કરી શકે.
ઉલ્લેખનીય છે કે આગામી 15 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાપાડા ખાતે મોટી સભા યોજાવાની છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. પોલીસ, એસઆરપી તથા કેન્દ્રિય સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર નર્મદા જિલ્લામાં હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈપણ અપ્રિય બનાવને અટકાવી શકાય.
