સાંસદ મનસુખ વસાવાનો જેલમાં બંધ AAP ધારાસભ્યને આડેહાથ લીધા- કહ્યું- 'ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં વિકાસના કાર્યો ભાજપની દેન'

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહારો કર્યા અને ડેડીયાપાડાના વિકાસ કાર્યો ભાજપની દેન હોવાનો દાવો કર્યો. તેમણે ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલને વિકાસના મુદ્દે જાહેર ચર્ચા માટે પડકાર ફેંક્યો, સાથે જ પક્ષના આંતરિક મુદ્દાઓ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Jul 2026 04:31 PM (IST)Updated: Tue, 21 Jul 2026 04:31 PM (IST)
narmada-news-mansukh-vasava-challenge-jailed-aap-mla-chaitar-vasava-on-dediapada-development-work

પ્રશાંત ગજ્જર, Narmada: ડેડીયાપાડા ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતા અને હાલ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ તેમણે ચૈતર વસાવાને વિસ્તારના વિકાસના મુદ્દે જાહેર ચર્ચા (ડિબેટ) કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

વિસ્તારમાં તમામ વિકાસ કાર્યો ભાજપની દેન

સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાએ પોતાના ક્ષેત્રમાં કોઈ જ નક્કર વિકાસ કાર્ય કર્યું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડેડીયાપાડા અને આસપાસના વિસ્તારમાં થયેલા તમામ વિકાસના કામો માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર દ્વારા જ કરવામાં આવ્યા છે.

પોતાના વિસ્તારમાં થયેલા કામોની યાદી આપતા તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારના શાસનમાં અહીં ત્રણથી ચાર મોટા પુલ અને અનેક ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાયદાને હાથમાં લેવાથી કે હંગામો કરવાથી નહીં, પરંતુ નિયમ મુજબ અને યોગ્ય રીતે કામ કરવાથી જ વાસ્તવિક વિકાસ શક્ય બને છે.

કેજરીવાલ અને ઈસુદાનને પણ ડિબેટ માટે બોલાવ્યા

મનસુખ વસાવાએ માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ વિકાસના મોડેલ પર પોતાની સાથે ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો હતો.

પોતાના રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હું ભૂતકાળમાં પણ કોંગ્રેસ અને BTP જેવા પક્ષો સામે લડી ચૂક્યો છું અને હાલમાં આમ આદમી પાર્ટી સામે લડી રહ્યો છું. જરૂર પડશે તો ભાજપમાં રહીને પણ ખોટા તત્વો સામે લડતા અટકાઈશ નહીં.

પક્ષના આંતરિક મુદ્દાઓ અને ચેતવણી

આ કાર્યક્રમ દરમિયાન તેમણે પક્ષની આંતરિક બાબતો પર પણ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીમાં સિનિયર નેતાઓની અવગણના થઈ રહી છે અને કેટલાક મહામંત્રીઓ એક પણ અગત્યની બેઠકમાં હાજર રહેતા નથી. પક્ષની શિસ્ત ભંગ કરનારા લોકોને બહારનો રસ્તો બતાવવો જોઈએ.

અંતમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોઈના ઈશારે કે ખોટી રીતે કામ કરવામાં આવશે તો તેઓ આંદોલન કરશે અને જો વિસ્તારના વિકાસ કામો અટકશે તો તેઓ તેમની સામે પણ વિરોધ નોંધાવશે.