Narmada: રાજપીપળામાં ‘યુવા શક્તિ સંગમ’, યુવાનોમાં વધતા વ્યસન પર સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી

નર્મદાના રાજપીપળામાં યોજાયેલા ‘યુવા શક્તિ સંગમ’ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ યુવાનોમાં વધી રહેલા વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શિક્ષણ, સંસ્કાર અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે યુવાનોને પ્રેરણા આપવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 29 Jun 2026 03:35 PM (IST)Updated: Mon, 29 Jun 2026 03:35 PM (IST)
yuva-shakti-sangam-rajpipla-mansukh-vasava-youth-addiction-education-narmada

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થિત આંબેડકર હોલ ખાતે નર્મદા આદર્શગામ વિકાસ સમિતિના નેજા હેઠળ પ્રથમવાર ‘યુવા શક્તિ સંગમ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા, યુવા પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા અને તેમને સામાજિક સંસ્કાર તથા વ્યસનમુક્તિના માર્ગે વાળવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

naidunia_image

યુવાનોમાં વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી

કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ યુવાનોમાં વધી રહેલી વ્યસનની આદતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ હવે માત્ર યુવકો જ નહીં, પરંતુ યુવતીઓમાં પણ દારૂ, બિયર અને ઈ-સિગારેટ જેવી નશીલી વસ્તુઓનું સેવન વધતું જોવા મળી રહ્યું છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, મુંબઈથી શરૂ થયેલું આ દૂષણ હવે સુરત, વડોદરા, ભરૂચ અને અમદાવાદ થઈને આદિવાસી વિસ્તારો સુધી પણ પહોંચ્યું છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. સમાજના જાગૃત વર્ગે આવા કિસ્સાઓ સામે અવાજ ઉઠાવવાની અને પોલીસ તંત્ર તથા પરિવારના સહયોગથી સામૂહિક પ્રયાસો કરી આ દુષણને રોકવાની જરૂર છે.

શિક્ષણનો વ્યાપ વધે માટે સંદેશો આપ્યો

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવાએ ઉપસ્થિત યુવાનોને જીવનમાં શિક્ષણને પ્રાથમિકતા આપવા અને ઉચ્ચ લક્ષ્યાંકો નિર્ધારિત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંદેશ આપ્યો કે, માત્ર શિક્ષિત અને વ્યસનમુક્ત સમાજ જ દેશની સમૃદ્ધિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. યુવાનો સારા શિક્ષણ દ્વારા ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરે અને પરિવારને સમૃદ્ધ બનાવી દેશના નિર્માણમાં ભાગીદાર બને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, શંકર વસાવા, ભીમસિંહ તડવી, રાજેશભાઈ વસાવા, દિનેશભાઈ તડવી (કલિમકવાણા) સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ડૉ. રવિ દેશમુખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે સ્થાનિક યુવાનોમાં નવી ઊર્જા અને નવી દિશાનો સંચાર કર્યો હતો.