Narmada: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રાજપીપળા મુખ્ય શાખામાંથી 1.93 કરોડ રૂપિયાની ઉચાપત કેસ હવે મહત્વપૂર્ણ વળાંક લેતા પોલીસે મુખ્ય આરોપી કેશિયર બાંગબોય દેબદાસ ચક્રવર્તીને ઓરિસ્સાથી પકડ્યો છે. દેબદાસ રાજપીપળા મુખ્ય શાખામાં નોકરી કરતો હતો અને બાદમાં તેની બદલી છોટાઉદેપુર જિલ્લાની નસવાડી શાખામાં થઈ હતી.
માહિતી મુજબ, દેબદાસ દ્વારા રાજપીપળા શાખામાંથી વિવિધ ATM મશીનોમાં જમા થવાના રોકડ રૂ. 1.93 કરોડ જમા ના કરી તેની ઉચાપત કરી હોવાનો આરોપ હોવા પાછળ બેંક મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ નોધાઈ હતી. જે બાદ પોલીસ તપાસ દરમિયાન તેનું લોકેશન ટેકનિકલી ટ્રેસ કરતા તે ઓરિસ્સા રાજ્યના ઝારસુગુડા વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.
રાજપીપળા ટાઉન PSI એમ. એ. ડાભી સહીત વિશેષ ટીમ તેની પત્નીના મોબાઇલ લોકેશન દ્વારા પ્રથમ જમશેદપુર પહોંચી હતી. જે પછી કોલ ડીટેઈલ વિશે વધુ વિષ્લેષણ કરતા આરોપી ઝારસુગુડા ગામે છુપાયો હોવાની ખાતરી થતાં ટીમ તત્કાલ સ્થળે દરોડા પડ્યા હતા. સ્થાનિક હોટલો અને લોજમાં એક પછી એક ચેકિંગ હાથ ધરાયા પછી આખરે મોડી રાત્રે એક હોટલમાથી દેબદાસ ઝડપાયો હતો.
આરોપીને ઝારસુગુડાની સ્થાનિક કોર્ટમાં રજુ કરી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવાયા બાદ પોલીસે તેને રાજપીપળા લઈ આવી. અહી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે રજુ કર્યો હતો. રાજપીપળા પોલીસે નાણા રિકવર કરવા અને વધુ પુછપરછ માટે રિમાન્ડની માગણી કરી હતી, જેથી કોર્ટ દ્વારા આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
આ કેસે નવા પ્રશ્નો ઉભા કર્યા છે કે 2 વર્ષ જૂનું આ કૌભાંડ હવે બહાર કેમ આવ્યું?, આ ઉચાપતમાં અન્ય કોણ સકળાયેલું હોઈ શકે છે અને રોકડ ક્યા ગઈ તે મુદ્દાઓ હવે પોલીસ રિમાન્ડ સમય દરમિયાન સ્પષ્ટ થવાની સંભાવના છે. રાજપીપળા પોલીસે કહ્યું છે કે આગામી કાર્યવાહી તપાસ આધારિત ઝડપથી આગળ વધારાશે.
