Narmada: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રકૃતિને વિશેષ પ્રાધાન્ય આપતા આવ્યા છે. એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિપ્રેમ, ધૈર્ય, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કરાવે છે. વામન કલા આપણે તાલમેલ, સજાગતા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા શિખવે છે.
તેમણે, પ્રકૃતિ સંરક્ષણ, ભારતીય પરંપરા અને આધુનિક જીવનશૈલીના સુંદર સંગમનું મહત્વપૂર્ણ પ્રતિક સમા એકતાનગર ખાતે વામન વૃક્ષ વાટિકાને 31 ઑક્ટોબર, 2025ના રોજ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું.
વાટિકા પરિસર 3.25 એકર વિસ્તારમાં ફેલાયેલ અનોખું બોન્સાઈ વાટિકા છે. અહીં 900 મીટર લાંબો વોકવે, 1200થી વધુ વૃક્ષો, 65 પ્રજાતિઓ અને 20થી વધુ કલાત્મક બોન્સાઈ શૈલીઓ અહીં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આકર્ષક બૌદ્ધ પ્રતિમા, સુંદર જળાશય અને ગઝેબો વાટિકાની શોભા વધારે છે.

પ્રકૃતિની સંભાળ રાખવી એ જ સજીવ સૃષ્ટિના આયુષ્ય અને સ્વસ્થ જીવનનો આધાર છે. વૃક્ષો પ્રકૃતિની અતિ મહત્વની ભેટ છે, અને તેમાં પણ વામન વૃક્ષોની સુંદરતા અને મહત્તા વિશેષરૂપે અનોખી છે. વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિપ્રેમ અને ભારતીય પરંપરાનું સુન્દર સંકલન બની, આજે નવી ઓળખ પ્રાપ્ત કરી રહી છે.

વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિની નાની દુનિયામાં છુપાયેલી વિશાળતા દર્શાવતું એક અનોખું ઉદ્યાન છે. કદમાં નાનાં હોવા છતાં, અહીંના દરેક વામન વૃક્ષમાં પૂર્ણ વૃક્ષ જેવી જ શક્તિ, સંતુલન અને સૌંદર્ય ઝળહળે છે.

એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકા ખાતે પર્યટકો અહીં પ્રકૃતિ અને કલાનો અનોખો સમન્વય અનુભવી શકે છે. નાના કદના હોવા છતાં દરેક વામન વૃક્ષ પૂરું વૃક્ષ જેવી શક્તિ, સૌંદર્ય અને સુગંધ ધરાવે છે. એકતા નર્સરીની નજીક આવેલી આ વટિકા આધુનિક બોન્સાઈ કલા અને આયુર્વેદિક પરંપરાનો અનોખો મેળ છે.

વામન વૃક્ષ વાટિકાની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, ખાસ આકર્ષણ તરીકે વર્ષ 1973માં રોપાયેલું 52 વર્ષ જૂનું તેમજ 1977 અને 1980 માં રોપાયેલું ફાઈકસ રેટુસા (ગુલર) બોન્સાઈ પણ અહીં જોવા મળે છે.

અહીં 1997 માં રોપાયેલ વડવૃક્ષ અને 1990 માં નિર્મિત જંગલ જલેબી ઉપરાંત આર્ટિસ્ટિક પેન્જિંગ જેવા અનોખા આકર્ષણો છે. આ સાથે જ 1977માં રોપાયેલું આફ્રિકાનું દુર્લભ ખુરાસાની ઇમલીખુ પણ જોવા મળે છે, જે 1 થી 3 હજાર વર્ષ સુધી જીવંત રહેવાની ક્ષમતા ધરાવે છે. એક કુદરતી વારસાનો અદભૂત ખજાનો સમાયેલો છે.

મુલાકાતની શરૂઆત ઈન્ટરપ્રિટેશન સેન્ટરથી થાય છે, જ્યાં બોન્સાઈ કલાની ઓળખ કરાવતી શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવે છે. અહીં ‘મેક યોર ઓન બોન્સાઈ’ વર્કશોપ પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઇને અભિભૂત થયા હતાં.

વામન અવતાર અને વામન વૃક્ષ કલાના પૌરાણિક જોડાણ
વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતારની અદ્ભુત કથા વર્ણિત છે. અસુરરાજ બલિના વૈભવ અને શક્તિને સંતુલિત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન, એક નાના કદના બ્રાહ્મણ બાળ રીતે પ્રગટ થઈને રાજાથી ત્રણ પગલા જમીન દાનમાં માંગી હતી. તેમના વિરાટ સ્વરૂપને જોઈને સ્તબ્ધ થયેલા રાજા બલિએ સમર્પણભાવથી પોતાનું મસ્તક વામન સમક્ષ અર્પણ કર્યું હતું.

સમયની સાથે વામન અવતારથી પ્રેરિત અવધારણા પ્રચલિત રીતે વનસ્પતિઓ પર પણ લાગુ થવા લાગી. આ ભાવથી વામન સ્વરૂપના વૃક્ષોની પરંપરા વિકસિત થઈ, જેને ભારતમાં વામન વૃક્ષ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો - અથર્વવેદ, વિષ્ણુ પુરાણ, રામાયણ તથા આયુર્વેદિક શાસ્ત્રોમાં એવા નાના કદના વૃક્ષોનો ઉલ્લેખ મળે છે, જ્યાં તેમને આધ્યાત્મિક પ્રતીક સાથે ઔષધીય મહત્વ ધરાવતા માનવામાં આવ્યા છે. ટૂંકમાં સમજીએ તો વામન એટલે નાનું પણ અસીમ શક્તિનું ઘર… વામન વૃક્ષ નાના કદમાં પણ વિરાટ શક્તિનું પ્રતિક છે.

ભારતમાં વૃક્ષોને નાનાં કદમાં ઉગાડવાની પરંપરાનો ઈ.સ.પૂર્વે લગભગ 2000 વર્ષનો સૌથી પ્રાચીન ઉલ્લેખ મળે છે, ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ નાનકડા સ્વરૂપમાં પણ તેની સંપૂર્ણતા દર્શાવે છે. વેદ, પુરાણ અને આયુર્વેદમાં વામન વૃક્ષોનું ધાર્મિક, સાંસ્કૃતિક અને ઔષધીય મહત્વ વિગતવાર વર્ણવાયું છે.
આયુર્વેદ અને પરંપરા સાથે જોડાયેલી બોન્સાઈ કલાનું મૂળ ભારતમાં જ છે
આ કલાની વૈશ્વિક યાત્રા મુજબ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રસાર વિદેશો સુધી કર્યો અને તેમની પુત્રી સંગમિત્રા પાત્રમાં એક બોધિવૃક્ષ લઈને શ્રીલંકા પહોંચી હતી. જે ઇતિહાસમાં પવિત્ર વૃક્ષની પ્રથમ નોંધાયેલી યાત્રા માનવામાં આવે છે.

બાદમાં ચીન પહોંચેલા ફાહિયાન અને હ્યુત્સાંગે આ જ્ઞાનને “પુન ત્સાઈ” (પાત્રમાં વૃક્ષ) તરીકે વિકસાવ્યું… ચીનથી જાપાન અને ઝેન પરંપરા સુધી પહોંચીને “બોન્સાઈ” વિશ્વપ્રસિદ્ધ કલા બની. પરંતુ તેનું મૂળ તો ભારતની વામન પરંપરા જ છે, જે વિદેશોમાં નવા સ્વરૂપમાં ખીલતી રહી…
ભારત દેશમાં બોન્સાઈ વિકાસ માટે અદભૂત સંભાવના (Vaman Vriksha Vatika)
અહીં કુલ 15000થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ અને 12 કુદરતી રીતે ઉપલબ્ધ વાતાવરણીય પરિસ્થિતિઓ બોન્સાઈના વિકાસને માટે સંપૂર્ણપણે અનુકૂળ પરિસ્થિતિઓ ઉપલબ્ધ કરાવે છે.
બોન્સાઈ બનાવવાની પ્રક્રિયા અને તેની શૈલી (Bonsai Garden)
વામન (બોન્સાઈ) બનાવવાની પ્રક્રિયામાં છોડની પસંદગીથી લઈને રોપણ, છટાંઈ, તાર બાંધવું અને ઉર્વરીકરણ જેવા તબક્કાઓ સામેલ છે. વર્ષોની કાળજી બાદ સામાન્ય છોડ સુંદર વામન વૃક્ષ રૂપે વિકસે છે.

બોન્સાઈ કલાને શૈલી અને આકાર-કદ એમ મુખ્ય બે શ્રેણીઓમાં વહેંચી શકીએ છીએ. શૈલીના આધારે ઇન્ફોર્મલ અપરાઈટ, કાસકેડ, સેમી કાસકેડ, સ્લાન્ટેડ, ફોરેસ્ટ, આર્ટિસ્ટિક ફોર્મ શૈલી વૃક્ષની પ્રાકૃતિક સ્થિતિ અને કલાત્મક ભાવ ઝડપથી દર્શાવે છે.
ઉપરાંત, આકાર/કદના આધારે હાથની હથેળીમાં આવતું 3 ઇંચનું શિતો, 6 ઇંચનો મમે, 8 ઇંચનો શોહિન, 16 ઇંચનો કિફુ શો, 24 ઇંચનો ચુ અને 40 ઇંચનો દાઈ એમ તેમની શૈલી વિસ્તરે છે. વામન વૃક્ષ કલા વૈશ્વિક સ્તરે પ્રસરી એક શક્તિશાળી અને લોકપ્રિય કલારૂપ બની છે.
