The Unity Trail- Cycle On Sunday: SOU ખાતે બે દિવસની રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઈવેન્ટ, દેશભરના 650થી વધુ સાઇકલિસ્ટોએ ભાગ લીધો

ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામ ગામિતની ઉપસ્થિતિમાં સાઈકલોથોનનો પ્રારંભ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 16 Nov 2025 10:39 PM (IST)Updated: Sun 16 Nov 2025 10:39 PM (IST)
narmada-news-the-unity-trail-cycle-on-sunday-cycling-events-cyclothon-at-statue-of-unity-639339
HIGHLIGHTS
  • સાયકલિંગ થકી સ્વદેશીનો સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ

Narmada, The Unity Trail- Cycle On Sunday: નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ – સાયકલ ઓન સન્ડે’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તા. 16 અને 17મી નવેમ્બર-2025 દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે.

જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ કિમીની સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી, ધારાસભ્ય તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાઈકલોથોન ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્રને સાચા અર્થમાં પ્રોત્સાહતિ કરે છે.

સ્વદેશી ઉત્પાદન, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણપ્રેમી પરિવહનના સંદેશને પ્રસરાવવાનો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાષ્ટ્રની એકતા, સ્વદેશી અને સ્વાવલંબનની ભાવનાને આગળ ધપાવવા અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકરા કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાઈકલોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે.

સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાઈકલોથોન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ હતી.

આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, ફિલ્મ જગતના અગ્રણી બોની કપૂર, સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી મનિંદર પાલ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, દેશભરના સાઇક્લિસ્ટો, મોટી સંખ્યામાં નાગરિકો સાઇક્લિસ્ટોને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતાં.