Ekta Cruise at Statue Of Unity: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ’ માત્ર એક સ્મારક નહીં, પરંતુ એક વિશાળ પ્રવાસન કેન્દ્ર તરીકે સતત વિકસતું જઈ રહ્યું છે. અત્યાર સુધી અહીં 2.70 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા છે અને હાલ 20થી વધુ પ્રોજેક્ટ લોકોનું આકર્ષણ બની રહ્યા છે. આવા જ એક લોકપ્રિય આકર્ષણ ‘એકતા ક્રૂઝ બોટ’ ચોમાસાના વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓ ફરી નર્મદાની શાંત જળ સફરનો આનંદ માણી શકે.

આ કારણોસર સેવા બંધ કરવામાં આવી હતી
ચોમાસા દરમિયાન સરદાર સરોવર ડેમના દરવાજા ખુલ્લા હોવાથી પાણીનો ભરચક પ્રવાહ અને સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખી ક્રુઝ સેવા અસ્થાયી બંધ રાખવામાં આવી હતી. હવે ડેમના દરવાજા બંધ થતા અને પાણીનો પ્રવાહ સ્થિર થતા ક્રૂઝની નવી સિઝનની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રારંભને વિશેષ બનાવવા SOU સત્તા મંડળ અને રમાડા એનકોર હોટેલે કેક મિક્સિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. પ્રથમ યાત્રાના પ્રવાસીઓને તિલક કરી આવકારી, વિશેષ ડ્રાયફ્રૂટ કેક મિક્સિંગ કાર્યક્રમનો આનંદ અપાયો હતો.

આ હેતુથી ફરીથી સેવા શરુ કરાઇ
રમાડા એનકોર હોટેલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું કે દિવાળી વેકેશન દરમિયાન વિશાળ ભીડ દેખાઈ હતી અને હવે ડિસેમ્બર-જાન્યુઆરીની ફેસ્ટિવ સિઝનમાં પ્રવાસીઓ વધુ સંખ્યામાં આવશે એવી આશા છે. નાતાલ અને 31 ડિસેમ્બર જેવા પ્રસંગે લોકો કેવડિયા-એકતા નગરને મનોરંજન માટે પસંદ કરે છે, એથી ક્રુઝ સેવા પ્રવાસીઓને વધુ આનંદ મળી રહે તે હેતુથી ફરી શરૂ કરવામાં આવી છે. ક્રૂઝમાં સ્વાદિષ્ટ ભોજન, સંગીત, નૃત્ય અને સ્ટેજ પર આદિવાસી પરફોર્મન્સ જેવી મોજમજા ઉપલબ્ધ રહેશે.

SOU ના એડિશનલ કલેક્ટર દર્શક વિઠલાણીએ જણાવ્યું કે, દર તહેવારે SOU દેશભરમાંથી સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષે છે. ક્રૂઝ બોટનો પુનઃપ્રારંભ આવનારી તહેવારની સીઝન માટે મહત્વપૂર્ણ આકર્ષણ બનશે.

'એકતા ક્રૂઝ બોટ' ની ટિકીટ ભાવ
પ્રવાસી હેલીએ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીં ગોવા જેવી જ ક્રૂઝની મજા મળી. ક્રૂઝ બોટમાં એક સાથે 200 લોકો બેસી શકે છે, લગભગ 6 કિ.મી.ની સફર છે અને પ્રતિ પ્રવાસી ટિકિટ 430 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સેવા પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતને વધુ યાદગાર બનાવે છે.
