PM-KUSUM Yojana Narmada: એક સમય એવો હતો જ્યારે નર્મદાના ડુંગરાળ અને જંગલ વિસ્તારના ખેડૂતો માત્ર આકાશ તરફ જોઈ વરસાદની રાહ જોતા હતા. આજે એ જ આદિવાસી ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે. કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર અજવાળું નથી લાવતો, પરંતુ ખેતરોમાં પાણી, ભરપૂર પાક અને આર્થિક સમૃદ્ધિ પણ લાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાએ નર્મદા જિલ્લાના હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આત્મનિર્ભરતાનો નવો અધ્યાય લખ્યો છે.
આ પણ વાંચો
રાજ્યમાં નર્મદા અગ્રેસર: કુલ ₹618.41 કરોડના ખર્ચે 14,989 સોલાર પંપ મંજૂર કરીને નર્મદા જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને.
100% સબસિડી: કેન્દ્ર સરકારની 60% અને રાજ્ય સરકારની 40% સહાયથી આદિવાસી ખેડૂતોને કોઈપણ આર્થિક બોજ વિના લાભ.
પર્યાવરણ સુરક્ષા: શૂલપાણેશ્વર અભયારણ્ય જેવા ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં વીજ લાઈનો કે વાયર વગર સિંચાઈ શક્ય બની.
બારેમાસ ખેતી: ચોમાસા આધારિત ખેતીમાંથી હવે ખરીફ, રવિ અને ઉનાળુ—ત્રણેય ઋતુમાં પાક લેવાનું શરૂ.

ડુંગરાળ પ્રદેશમાં બદલાયું ખેતીનું ચિત્ર
નર્મદા જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર વિસ્તારમાંથી લગભગ 1.06 લાખ હેક્ટર વિસ્તાર જંગલો અને પહાડોથી ઘેરાયેલો છે. દેડિયાપાડા અને સાગબારા જેવા વિસ્તારોમાં વીજળીના નેટવર્કનો અભાવ અને ડીઝલ પંપની મોંઘી સિંચાઈને કારણે ખેતી અત્યંત ખર્ચાળ હતી. પરંતુ, PM-KUSUM-B હેઠળના ઓફ-ગ્રીડ સોલાર પંપ અહીં ગેમચેન્જર સાબિત થયા છે. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવાની કે ડીઝલ માટે શહેર સુધી જવાની જરૂર નથી રહી.
દેડિયાપાડાના સામોટ ગામના એક ખેડૂત રાકેશભાઈ વસાવાએ જણાવ્યું કે- પહેલાં અમે માત્ર ચોમાસાનો એક જ પાક લઈ શકતા હતા. PM-KUSUM યોજનાનો લાભ મળ્યા પછી હવે વર્ષમાં ત્રણેય સીઝનમાં ખેતી કરીએ છીએ. મકાઈ, ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકથી આવક વધી છે. રાકેશભાઈને આ યોજના હેઠળ 26 જાન્યુઆરી, 2026ના રાષ્ટ્રીય સમારોહમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો.

વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન
શૂલપાણેશ્વર અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ છે. ઓફ-ગ્રીડ સોલાર પંપના કારણે:
- નવા વીજ થાંભલા કે લાંબી વીજ લાઈનો નાખવાની જરૂર પડી નથી.
- જંગલો અને વન્યજીવોના કુદરતી વસવાટને નુકસાન અટક્યું છે.
- ડીઝલનો વપરાશ બંધ થતાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.
સ્થળાંતરમાં ઘટાડો, ગામમાં જ રોજગારી
DGVCL રાજપીપળાના કાર્યપાલક ઇજનેર બી.બી. પટેલના જણાવ્યા મુજબ, દેડિયાપાડા, સાગબારા અને ચીકદા વિસ્તારોમાં હવે ખેડૂતો વર્ષમાં ત્રણેય ઋતુમાં પાક લઈ રહ્યા છે. પરિણામે-
- કૃષિ આવકમાં ધરખમ વધારો થયો છે.
- રોજગારી માટે થતું આંતરિક સ્થળાંતર અટક્યું છે.
- પશુપાલન જેવા પૂરક વ્યવસાયોને પ્રોત્સાહન મળ્યું છે.
નર્મદા જિલ્લાએ હરિત ઊર્જા અને ટકાઉ વિકાસનો જે સમન્વય સાધ્યો છે, તે આજે દેશના અન્ય પહાડી અને આદિવાસી વિસ્તારો માટે પણ એક શ્રેષ્ઠ પ્રેરણારૂપ મોડેલ બની ગયું છે.
