Narmada News: કરૂણ ઘટના સર્જાઈ; અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા 2 શ્રમિકના મોત

તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કાર્ય શરૂ હતું. કામ દરમિયાન અચાનક જમીનમાં રહેલા વીજ વાયરનો કરંટ લાગી જતા બંને યુવકો ત્યાંજ ઢળી પડ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 23 Nov 2025 09:21 PM (IST)Updated: Sun 23 Nov 2025 09:21 PM (IST)
tragic-incident-2-workers-die-due-to-electrocution-during-underground-work-643239

Narmada News:નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક આજે અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન થયેલી ગંભીર ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માહિતી મુજબ, ચાલુ કામ દરમિયાન જમીનની અંદર રહેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી જતા બે શ્રમિકોના મૃત્યું નિપજ્યાં હતાં.

આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર શ્રમિકોની ઓળખ વિજય બાબુભાઈ મેળા અને ગોવિંદ મનુભાઈ ડામોર તરીકે થઈ છે. બંને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી અને ઉમર અંદાજિત 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કાર્ય શરૂ હતું. કામ દરમિયાન અચાનક જમીનમાં રહેલા વીજ વાયરનો કરંટ લાગી જતા બંને યુવકો ત્યાંજ ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક તિલકવાડા પોલીસ મથકમાંથી સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસએ પ્રાથમિક તપાસ હાથ ધરી અને ઘટનાસ્તળનું પંચનામું કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શોકગ્રસ્ત પરિવારોને જાણ થતા ગામમાં પણ માતમનું વાતાવરણ છવાઈ ગયું છે. વિજય અને ગોવિંદ રોજીરોટીના લીધે નર્મદા જિલ્લામાં કામ કરવા આવ્યા હતા, પરંતુ કરંટના કપરા કાળે તેમની જીવનયાત્રા અચાનક પૂર્ણ થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે એક મહિનામાં નર્મદા જિલ્લામાં આ બીજી ગંભીર ઘટના બની છે. ગત 26 ઓક્ટોબરે ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટના નવીનીકરણ દરમ્યાન ભેખડ ધસી પડતા એકટેશ્વર ગામના ત્રણ શ્રમિકોના મોત થયા હતા. સતત બનતી આવી દુર્ઘટનાઓ વિભાગીય બેદરકારી અને સુરક્ષા આયોજન પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

તિલકવાડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાના ચોક્કસ કારણો શોધવા ટેક્નિકલ ટીમની મદદ પણ લેવાઈ રહી છે. મજૂરોની સુરક્ષા અંગે જવાબદાર તંત્ર કેવા પગલાં લે છે તે અંગે હજી રાહ જોવાઈ રહી છે.