Navsari News: બીલીમોરામાં માતાએ તેના બે નાના બાળકોનું ગળું દબાવીને હત્યા કરી હતી જે બાદ સસરા પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં માતાએ પિતૃના મોક્ષ અર્થે બંને બાળકોની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે માનસિક રોગના ડોક્ટર પાસે આરોપી માતાનું ઈલાજ કરાવવા માટે પરવાનગી માંગતા કોર્ટ દ્વારા આજરોજ માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા તપાસ કરાવવા માટે પરવાનગી અપાઈ છે.
મોડી રાતે બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી
મળતી માહિતી મુજબ બીલીમોરાના દેવસર ખાતે રહેતી સુનીતા શીવાકાંત શર્માએ ગત 13મી નવેમ્બરની મોડી રાતે તેના બે બાળકો હર્ષ અને વેદની ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપી સુનીતાએ પલંગ પર માતાજીનો ફોટો મુકીને કંકુ મૂકી બંને બાળકોની હત્યા કરી હતી એટલું જ નહી સસરા ઇન્દ્રપાલ પર પણ હુમલો કર્યો હતો જો કે સસરા જીવ બચાવીને ઘરની બહાર નીકળી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી.
દરવાજો બંધ કરી બાળકોના મૃતદેહ પાસે બેઠી હતી
આરોપી સુનીતાએ ઘરનો દરવાજો બંધ કરીને બાળકોના મૃતદેહ પાસે બેસી ગઇ હતી. સુનીતાનો પતિ બીમાર હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો, પોલીસે આરોપી સુનીતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પિતૃઓના મોક્ષ અર્થે બાળકોની બલી આપી હોવાની વાત કરી હતી
પોલીસની પૂછપરછમાં સુનીતાએ ભેદી અવાજ દ્વારા પિતૃઓના મોક્ષ અર્થે બાળકોની બલી આપી હોવાની વાત કરી હતી. જેથી પોલીસને તેની માનસિક સ્થિતિ બરોબર નહી લાગતા આરોપીને કોર્ટમાં રજુ કરતી વખતે મનોચિકિત્સકની સારવાર જરૂરી હોવાનો રીપોર્ટ મુક્યો હતો ત્યારબાદ કોર્ટે તેને નવસારીની સબજેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. દરમ્યાન આજે કોર્ટે પોલીસ રીપોર્ટને ધ્યાને લઇ આરોપી સુનીતા શર્માને નવસારી સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક પાસે કાઉન્સિલિંગ કરાવવા માટેનો હુકમ કર્યો હતો.
