Navsari: નવસારી શહેરમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં પારિવારિક ઝઘડાના સમાધાન માટે બોલાવવામાં આવેલા બે પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાના કાન પર બચકું ભરીને કાપી નાંખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસની હાજરીમાં જ બનેલા આ બનાવે ચકચાર મચાવી મૂકી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રુસ્તમવાડી વિસ્તારમાં રહેતા સંગમ તિવારી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. કૌટુંબિક ઝઘડામાં સંગમે પોતાના ભાભી ઉષા અને ભત્રીજી પ્રિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં અરજી આપી હતી.
આથી મહિલા પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષના લોકોને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં સંગમનો ભત્રીજો અનુરાગ પણ મુંબઈથી આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષો વચ્ચે વાતચીત ચાલતી હતી, ત્યારે જ અનુરાગ એકદમ ગુસ્સે થઈ ગયો હતો. જેણે પોતાના કાકા સંગમ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.
'છેલ્લા ઘણાં સમયથી તું મારા પરિવારને હેરાન કરે છે' કહી ઉશ્કેરાયેલા અનુરાગે કાકા સંગમનો શર્ટ ફાડી નાંખ્યો હતો. આ સમયે વાત વણસતી જોતા પોલીસનો સ્ટાફ બન્નેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન અનુરાગે કાકા સંગમના કાન પર બચકું ભરી લીધું હતુ. જેના કારણે સંગમને કાનના ભાગમાંથી લોહીના ફુવારા ઉડવા લાગ્યા હતા. જ્યારે તેનો અડધો કાન કપાઈને જમીન પર પડ્યો હતો.
આ ઘટના બાદ સંગમ પોતાનો કાન લઈને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ ટાંકા લઈને સારવાર આપી છે. હાલ તો સંગમે પોતાના ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
