Navsari rain: નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અંગે જિલ્લા કલેકટર મનીષ ગુરવાની દ્વારા મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નવસારી જિલ્લા કલેક્ટરે માહિતી આપી
આ પણ વાંચો
જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6:00 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 10.7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધુ 17 ઇંચ, ખેરગામ તાલુકામાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6:00 વાગ્યાથી લઈને અત્યાર સુધી પણ સમગ્ર જિલ્લામાં વરસાદ અવિરતપણે ચાલુ જ છે. નોંધનીય છે કે, છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં આ સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ 91 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સમગ્ર સિઝનનો 64 ટકા વરસાદ દર્શાવે છે.
મુખ્ય નદીઓની સપાટીમાં વધારો
વરસાદની આ અતિભારે પરિસ્થિતિને કારણે જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદી તેની 23 ફૂટની ભયજનક સપાટી સામે હાલ 25 ફૂટ પર, અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી સામે 39 ફૂટ પર અને કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી સામે 29 ફૂટ પર અત્યારે વહી રહી છે. આ ઉપરાંત, જોજ અને કીલિયા એમ બંને જળાશયો પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. પૂરની આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો અને ITI માં રજા જાહેર કરી દેવામાં આવી છે.
2 હજાર લોકોનું સુરક્ષિત સ્થળાંતર
વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જિલ્લામાં અત્યાર સુધી કુલ 223 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 18 સ્ટેટ હાઈવે બંધ થયાના અહેવાલો મળ્યા છે. સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાંથી આશરે 2,000 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જે પૈકી હાલ 670 જેટલા લોકો શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા છે. નાગરિકોને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે હેતુસર જિલ્લામાં સૌથી વધુ 2 SDRFની ટીમોને સ્ટેન્ડબાય ઉપર રાખવામાં આવી છે. જેથી કોઈપણ આપત્તિકારી પરિસ્થિતિને પહોંચી વળી શકાય.
આપાત સ્થિતિમાં કંટ્રોલ રુમનો સંપર્ક સાધવા અપી
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ચોક્સાઈ અને સાવચેતીના ભાગરૂપે અપીલ કરવામાં આવે છે, કે અત્યંત આવશ્યક ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને અવરજવર બિનજરૂરી ન કરવી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને અથવા આપાતકાલીન સહાયની જરૂરિયાત ઉભી થાય, તો ત્વરિત જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા માટે અનુરોધ કરવામાં આવે છે.
