Navsari News: નવસારી શહેરમાં એક છેતરપિંડીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. LIC અને પોસ્ટ વિભાગમાં અધિકૃત એજન્ટ તરીકે ખોટી ઓળખાણ આપીને સુરેન્દ્રકુમાર જગદીશલાલ ગાંધી નામના આરોપીએ અમેરિકા સ્થિત NRI દંપતિ સાથે રુ.1.94 કરોડની મોટી છેતરપિંડી આચરી છે. આ અંગે ફરિયાદી દંપતિએ નવસારી ટાઉન પોલીસમાં ગુનો પણ દાખલ કર્યો છે.
અમેરિકા સ્થિત NRI સાથે ઠગાઈ
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી સુરેન્દ્રકુમાર ગાંધીની મહાલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ નામની ઓફિસ મારફતે NRI ધર્મેશકુમાર વલસાડીયા અને તેમની પત્નીએ વર્ષ 1996થી LICની 56 પોલિસીઓ તેમજ પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમોમાં મોટું રોકાણ કર્યું હતું. જોકે, આરોપીએ દંપતીની નકલી સહીઓ કરીને અને નકલી બેન્ક ખાતા ખોલાવીને એલઆઈસી પોલિસીઓ પર લોન મેળવી હતી. તેમજ પોલિસી સરેન્ડર કરાવીને રુ.1.30 કરોડ હડપી લીધા હતા.
દંપતીએ પોલીસ ફરિયાદ આચરી
આ ઉપરાંત, દંપતીની જાણ બહાર બોગસ ખાતાઓ ખોલાવી, પાસબુકમાં ખોટી એન્ટ્રીઓ બતાવીને વાસ્તવમાં ઓછી રકમ જમા કરાવીને રુ.64.50 લાખની ઉપાચત કરી હતી. વર્ષ 2026માં દંપતી ભારત આવ્યુ ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.આ અંગે નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ, જો અન્ય કોઈ નાગરિકો પણ આ એજન્ટની ઠગાઈનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
