Navsari Car Accident: નવસારીમાં મંગળવારે મોડી રાત્રે રફતારના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ બજાર મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ બાળકોને ઈજાઓ થઈ હતી.
કારમાં ચાર લોકો સવાર હતા
મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જાયો તે સમયે કારમાં કુલ ચાર લોકો હાજર હતા. મધ્યરાતે કાર પૂરપાટ ઝડપે તીઘરાથી કબીરપોર તરફ જઈ રહી હતી. તે દરમિયાન સેન્ટ્રલ બજાર મોલ નજીક અચાનક રસ્તા વચ્ચે એક કૂતરું આડું આવી જતાં કાર ચાલકે તેને બચાવવા માટે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા જ કાર રોડની વચ્ચે આવેલ સેન્ટ્રલ બજાર મોલના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાંગી ગયો હતો.
એક વ્યક્તિનું મોત થયું
આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે સવાર ત્રણ બાળકોને ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર અર્થે તાત્કાલિક સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બનેલા આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
આ અકસ્માત ખુબ જ ગંભીર હતો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેમાં જોઈ શકાય છે કે કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ છે જે બાદ ત્યાં હાજર એક વ્યક્તિ કાર જોઇને દોડતો લોકોને મદદ માટે બોલાવવા જાય છે બીજી તરફ કારમાંથી એક બાળક ઉતરીને રોડ પર બેસી જાય છે અને લોકોને મદદ માટે પુકારી રહ્યો છે.
