Navsari: નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડીને સમજાવવા ગયેલા ચેતન ઉર્ફે ચિન્ટુ રાઠોડ નામના યુવકને 3 શખ્સોએ આડેધડ છરીના ઘા ઝીંકીને પતાવી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક ચેતનના મિત્ર પંકજને રાહુલ રાઠોડ અને હેમંત રાઠોડ સાથે જૂની અદાવતમાં ઝઘડો થયો હતો. આથી ચેતન પોતાના મિત્ર પંકજનું આરોપીઓ સાથે સમાધાન કરાવવાના ઈરાદે સમજાવવા ગયો હતો. આ બાબતનો ખાર રાખીને ત્રણેય ઈસમોએ ચેતન પર છરી વડે જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ બાબતની જાણ થતાં મૃતક ચેતનનો મોટો ભાઈ હિતેશ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં આરોપીઓએ હિતેશને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા જણાવ્યું કે, 'તારા ભાઈને પતાવી દીધો છે, તે અંદર પડ્યો છે.'
આથી હિતેશે મકાનની અંદર જઈ જોયું તો, ચેતન લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતો હતો. આથી તાત્કાલિક 108 ઈમરજન્સી સર્વિસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે ચેતનને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
