Navsari: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.25મી નવેમ્બરના રોજ નવસારી મુખ્ય મથકે રૂપિયા 475.08 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી સાંજે 4 વાગે રૂ.82.07 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અધ્યતન સુવિધાઓથી સજ્જ નવસારી બસ-પોર્ટનું લોકાર્પણ કરશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અને મેસર્સ ડી.આર.એ. નવસારી દ્રારા પીપીધોરણે નિર્માણ પામેલા આઈકોનિક બસપોર્ટ 29,510 ચો.મી. વિસ્તાર ધરાવે છે.
આ પ્રોજેક્ટમાં આધુનિક સુવિધાઓ સાથે 5 માળનો સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 16 પ્લેટફોર્મ, ઇન્કવાયરી–રીઝર્વેશન–ટુરિસ્ટ માહિતી કેન્દ્ર, વહીવટી ઓફિસ, કેન્ટીન–રિટેલ સ્પેસ, જનરલ અને લેડીઝ બેઠક વ્યવસ્થા, ડોર્મિટરી, મુસાફરો માટે આધુનિક શૌચાલય સુવિધાઓ, RCC પાર્કિંગ, CCTV સુરક્ષા સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે અને વેરીએબલ મેસેજ બોર્ડ સામેલ છે.

ફૂડકોર્ટ, રિટેઇલ મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ ઓફિસ અને બજેટ હોટલ જેવી સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલ મુસાફરોને સુયોગ્ય અનુભવ આપી નવસારીના શહેરી વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
