Navsari: બીલીમોરામાં ફિલ્મી ઢબે લૂંટનો પ્રયાસ, જ્વેલર્સે હિંમતપૂર્વક સામનો કરતાં ફાયરિંગ કરી લૂંટારાઓ ફરાર; ઘટના CCTVમાં કેદ

દિન-દહાડે લૂંટના પ્રયાસની ઘટના ટોક ઑફ ધી ટાઉન બની. ફરાર લૂંટારાઓને ઝડપવા વલસાડ અને સુરત જિલ્લામાં પોલીસે નાકાબંધી કરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 07 Apr 2026 08:19 PM (IST)Updated: Tue 07 Apr 2026 08:19 PM (IST)
navsari-news-daylight-robbery-attempt-at-jewellers-in-bilimora-owner-shot-while-resisting-723621
HIGHLIGHTS
  • ગૌહરબાગ વિસ્તારના ચંચળ જ્વેલર્સમાં બપોરના સમયે 3 ઈસમો લૂંટના ઈરાદો ઘુસ્યા
  • ગોળી વાગતા ઈજાગ્રસ્ત જ્વેલર્સને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Navsari: નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં જ્વેલર્સમાં અજાણ્યા ઈસમો દ્વારા દિન દહાડે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બીલીમોરા સ્થિત ગોહરબાગ વિસ્તારમાં આવેલા ચંચળ જવેલર્સમાં આજે બપોરે ત્રણ જેટલા ઇસમો લૂંટના ઇરાદે ઘૂસી આવ્યા હતા. આ દરમ્યાન જ્વેલર્સ માલિક દ્વારા બહાદૂરી પૂર્વક લૂંટારાઓનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જેથી લૂંટારૂઓએ જવેલર્સ માલિક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લૂંટારાઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દિન-દહાડે બનેલી આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા વલસાડ અને સુરત જિલ્લામાં નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Dysp ભગીરથ સિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ચંચળ જ્વેલર્સમાં આજે બપોરના સમયે એક બનાવ બન્યો જેમાં અજાણ્યા ઈસમોએ લૂંટ કરવાના ઇરાદે જ્વેલર્સમાં જઈને માથાકૂટ કરી હતી, જ્વેલર્સમાંથી કંઇ લૂંટાયું નથી પરંતુ જ્વેલર્સના માલિકે બહાદુરી પૂર્વક એમનો સામનો કર્યો હતો. આ દરમ્યાન આરોપીઓએ ભાગતા ભાગતા તેમની પાસે જે હથિયાર હતું. તેમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું હાલ ફરીયાદી જણાવે છે, હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.

વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને જિલ્લા અને વલસાડ અને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર નાકાબંધી તાત્કાલિક કરી દેવામાં આવી છે. પોલીસ એલર્ટ થઈને આ મામલે તપાસ કરી રહી છે.