Navsari: ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ધક્કો મારવા જેવી નજીવી બાબતે પરિકરના ઘા ઝીંકીને બીજા વિદ્યાર્થીનું ખૂન કરી નાંખ્યું હતુ. આ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી હતી, ત્યારે આવી જ વધુ એક ઘટના નવસારી શહેરમાંથી સામે આવી છે. જેમાં અહીંની SGM સ્કૂલની બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પેટમાં કાતર ઘુસાડી દીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરની SGM સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. જ્યાં કોઈ બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીના માથામાં ટપલી મારતા ઝપાઝફી શરૂ થઈ ગઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ કાતર વડે બીજા વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો અને પેટના ભાગે ઘા માર્યા હતા.
આ હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ હુમલાખોર વિદ્યાર્થી વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં અરજી આપી છે.
બીજી તરફ સ્કૂલના આચાર્ય જૉય સરે જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાની જાણ મને સોશિયલ મીડિયા મારફતે થઈ છે. વિદ્યાર્થી પર હુમલો સ્કૂલની બહાર મેન રોડ પર થયો છે. આ બાબતે મેં તમામ શિક્ષકો પાસેથી માહિતી જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ આ મામલે કશું જ જાણતા નથી.
