Navsari: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે.
નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દેવસર બેઠક (ગણદેવી), બિગરી બેઠક (ગણદેવી) અને ઘેજ બેઠક (ચીખલી) બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે. ગણદેવી તાલુકાની બે અને ચીખલી તાલુકાની એક બેઠક પર વિપક્ષી ઉમેદવારો મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોમાં દેવસર બેઠક પરથી રેખાબેન બિપિનભાઈ પટેલ, બિગરી બેઠક પરથી ભીખુભાઈ અમરતભાઈ પટેલ અને ચીખલી તાલુકાની ઘેજ બેઠક પરથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલનો સમાવેશ થાય છે.
બેઠકો ચૂંટણી પહેલા જ જીતી લેતા ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ 'બિનહરીફ' જીતની હેટ્રિક બાદ ભાજપના આગેવાનોએ ફૂલહાર અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
