Valsad and Navsari Flood: અતિ ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને અન્ય અસરગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખીને વલસાડ અને નવસારીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો સર્વે
વલસાડ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેતી અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત બાગાયતી પાકોમાં જે છોડ અને વૃક્ષોને નુકસાન થયું છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
રાશન સહાય અને ઘાસચારાની અછત દૂર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્તો માટે આ મહિનાથી જ રાશન સહાય આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની અછત દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક નિર્ણયો લેવાની વિશેષ સત્તા સોંપી છે. દોઢ થી બે દિવસમાં એકસાથે અસાધારણ વરસાદ પડી જવો એ દુર્લભ છે. આ કટોકટીની સ્થિતિમાં રાજ્ય સરકાર નાગરિકોની પડખે ઊભી છે.
18,000 લાભાર્થીઓને 13 કરોડથી વધુની રાહત
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં તમામ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને આશરે 18,000 લાભાર્થીઓને રૂ. 3.50 કરોડની કેશડોલ સહાય તેમજ રૂ. 9.50 કરોડની ઘરવખરી અને મકાન સહાય સહિતની વિવિધ રાહતો પહોંચાડવામાં આવી છે. પૂર દરમિયાન સક્રિય રહેલી NGO, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગો, પત્રકારો અને સ્થાનિક નાગરિકોની સેવાભાવનાને પણ બિરદાવી હતી.
મંત્રીઓની પ્રત્યક્ષ મુલાકાત
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમરગામ તાલુકાના મોહનગામ અને પારડીના તીઘરા ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ તથા જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
