Gujarat OBC Reservation: દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધા બાદ હવે દેશમાંથી અનામત હટાવવા અંગે ડિજિટલ અભિયાન જોર પકડી રહ્યું છે. જેને ગુજરાતના પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એવામાં કોંગ્રેસ નેતા અને OBC સમાજના આગેવાન ઠાકરસી રબારીએ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલ પર OBC વર્ગ સાથે અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યાં છે.
હસમુખ પટેલ OBC વર્ગનો એકડો કાઢી નાંખવા માંગે છે
આ અંગે ઠાકરસી રબારીએ જણાવ્યું કે, અગાઉ વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીમાં દોડમાં સૌથી પહેલા આવતા હતા.
પોલીસ ભરતીમાં દોડવાના ગુણ ગણાતા હોવાથી OBC વર્ગના દીકરાઓ સૌથી વધુ આવતા અને પાસ થઈ જતા હતા. જેથી હસમુખ પટેલ અને તેમની આખી ટીમે પોલીસ ભરતીની પ્રક્રિયામાં દોડવાના ગુણ જ કાઢી નાંખ્યા.
અગાઉ પણ એક ચૌધરી સમાજના દીકરાને અન્યાય થયો હતો. આમ ગુજરાતમાંથી OBC વર્ગનો એકડો કાઢી નાંખવા માટે હસમુખ પટેલ પાછળ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. મારે તેમને એક જ પ્રશ્ન પુછવો છે કે, શું OBC વર્ગએ હિન્દુસ્તાનનો સમાજ નથી?
OBC વર્ગને થઈ રહેલા અન્યાય સામે પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે
આજે દેશના વડાપ્રધાન પણ OBC વર્ગમાંથી આવે છે, ત્યારે મારી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત OBC વર્ગમાંથી આવતા તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને કહેવું છે કે, આજે હસમુખ પટેલ ગુજરાતમાંથી OBC સમાજનું સત્યનાશ કરવાનું કાવતરું કરી રહ્યા છે.
આથી મારી તમામને એક જ વિનંતી છે કે, હસમુખ પટેલને તાત્કાલિક ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) બોર્ડમાંથી નહીં હટાવવામાં આવે, તો OBC સમાજને થઈ રહેલા અન્યાય સામે વાવ-થરાદ અને બનાસકાંઠાની ધરતી ઉપરથી અમે ઉગ્ર લડત ચલાવીશું. આ લડતનું જે કોઈ પરિણામ આવે, તો તે ભોગવવા માટે સરકારે તૈયારી રાખવી પડશે.
