Banaskantha Civic Polls 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું કે, આગામી 26મી એપ્રિલ, 2026ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે.
જેના માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદની સ્થિતિ જોતા, જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે હવે 136 હરીફ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કંબોઈ જિલ્લા પંચાયત બેઠક હાલમાં બિનહરીફ જાહેર થવા પાત્ર છે.
આ પણ વાંચો
તાલુકા પંચાયતની વાત કરીએ તો, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ 240 બેઠકો સામે 614 હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે. આ પૈકી કુલ 9 બેઠકો બિનહરીફ જાહેર થવા પાત્ર છે, જેમાં ડીસા તાલુકામાં મહાદેવિયા અને માલગઢ, વડગામ તાલુકામાં મગરવાડા, દાંતા તાલુકામાં રંગપુર અને દાંતા, તેમજ કાંકરેજ તાલુકામાં બુકોલી, ખોડા, કંબોઈ-1 અને ઉંબરી-1 બેઠકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ધાનેરા, ડીસા અને પાલનપુર એમ ત્રણ નગરપાલિકાઓની કુલ 116 બેઠકો સામે 256 હરીફ ઉમેદવારો મેદાનમાં છે. નગરપાલિકામાં પણ કુલ 13 બેઠકો બિનહરીફ થવા પાત્ર છે, જેમાં ડીસા નગરપાલિકામાં 9 વોર્ડની બેઠકો અને પાલનપુર નગરપાલિકામાં 4 બેઠકોનો સમાવેશ થાય છે. આમ, ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે.
