Bansakantha News: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના હસનપુર ગામને રીંછે બાનમાં લીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હસનપુર ગામમાંથી ભગાડવાનો પ્રયાસ કરી રહેલા ગ્રામજનો પર રીંછે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 5 ગ્રામજનોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘરમાં ઘૂસી વૃદ્ધા પર તરાપ મારી, બચાવવા જતાં પુત્ર પર હુમલો કરી દીધો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે હસનપુર ગામમાં અચાનક એક રીંછ ઘુસી આવતા અફરાતફરી મચી જવા પામી હતી. રીંછે ગામના એક ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર તરાપ મારી હતી. આ સમયે વૃદ્ધાને બચાવવા ગયેલા તેમના પુત્ર પર રીંછ તૂટી પડ્યો હતો. આ સમયે બૂમાબૂમ થતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને રીંછને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રામજનો પાછળ પડતાં વિફરેલા રીંછ રસ્તામાં જે કોઈ સામે આવે, તેના પર હુમલો કરતો હતો. જેના પરિણામે ગામમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આ બાબતની જાણ થતાં વન વિભાગની ટીમ પણ તાત્કાલિક હસનપુર ગામમાં આવી પહોંચી હતી અને રીંછને પાંજરે પૂરવા અભિયાન હાથ ધર્યું હતુ.
રીંછના હુમલામાં ઘવાયેલા 5 લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હજુ સુધી રીંછ ના પકડાતા વન વિભાગ દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
