Banaskantha: જેતપુરના ધારાસભ્ય અને પાટીદાર સમાજના અગ્રણી જયેશ રાદડિયા આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મડાણા ખાતે આયોજિત એક સમુહલગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે દીકરીઓને બાપ-દાદાની પાઘડીઓનું સન્માન જાળવવા માટે અપીલ કરી હતી.
આજે લેઉવા પટેલ સમાજ દ્વારા મડાણા સ્થિત નૂતન ભારતી સંસ્થામાં 28માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ તકે મુખ્ય મહેમાન તરીકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમુહલગ્નમાં ઉપસ્થિત જનમેદનની સંબોધતા જયેશ રાદડિયાએ દીકરીઓને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે, આપણા બાપ-દાદા જે પાઘડી પહેરતા હતા, તે આપણાં સંસ્કાર અને વારસાની નિશાની છે. દરેક બાપ હંમેશા પોતાની દીકરી માટે સારું જ વિચારે છે. આથી દરેક દીકરીઓનું કર્તવ્ય છે કે, તેઓ પાઘડીનું સન્માન જાળવી રાખે. બાપાએ માથે ઓઢેલી પાઘડી નીચી ના નમે, તે જોવાની જવાબદારી દીકરીઓની છે. બાપ ઉપર ભરોસો રાખજો .
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે, આજની પેઢીમાં વેપાર-ધંધા માટે મારા સૌરાષ્ટ્રમાં લોકો ગામડામાંથી રાજકોટ કે સુરત જાય છે. જેનો કોઈ વાંધો નથી, પરંતુ બાપ-દાદાએ વારસામાં જે જમીન આપી છે, તેને વેચતા નહીં. બાપ-દાદાએ આપેલો એક પણ વીઘો ઓછો ના કરતા. એક સમય એવો આવશે કે, તમારી પાસે જેટલા વીઘા હશે, તેટલી તમારી બોલબાલા થવાની છે.આથી આપણી બાપ-દાદાની વર્ષોની મૂડી સાચવવાની જવાબદારી આપણી જ છે.
