Palanpur News: 'પહેલા જે ઘરના છોકરા વ્હાલા હોય પછી પારકા…' જન આક્રોશ યાત્રામાં ગેનીબેનના પક્ષ પલટો કરનારા કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર

ગેનીબેન ઠાકોરે પક્ષપલટાની રાજનીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે, "ભાજપ એ સંગ્રહ કરવાનું ગોડાઉન છે. પહેલા ઘરના છોકરા વાલા હોય પછી જ પારકા વાલા હોય.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 23 Nov 2025 07:23 PM (IST)Updated: Sun 23 Nov 2025 07:23 PM (IST)
palanpur-news-in-jan-aakrosh-yatra-congress-mp-geniben-thakor-slams-leaders-who-left-party-643177

Palanpur News: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા યોજવામાં આવી રહી છે. આજ રોજ મહાત્મા ગાંધી ભવન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ (નવનિર્મિત) ભવનનો લોકાર્પણ અને રાજીવ જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપને 'સંગ્રહ કરવાનું ગોડાઉન' ગણાવીને પક્ષપલટો કરનારાઓને ભવિષ્યમાં પછતાવાનો વારો આવશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. ગેનીબેને દાવો કર્યો કે, પક્ષપલટો કરનારા ઘણા નેતાઓ દુઃખી થઈને તેમને સંપર્ક કરી રહ્યા છે.

ભાજપને 'સંગ્રહ કરવાનું ગોડાઉન' ગણાવ્યું

ગેનીબેન ઠાકોરે પક્ષપલટાની રાજનીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે, "ભાજપ એ સંગ્રહ કરવાનું ગોડાઉન છે. પહેલા ઘરના છોકરા વાલા હોય પછી જ પારકા વાલા હોય." તેમણે ઉમેર્યું કે, આ પરંપરા ચાલી આવે છે કે પહેલા ઘરનો છોકરો જ વાલો હોય અને બહારથી આવેલાને ગોડાઉનમાં રાખવામાં આવે તેમ ભાજપમાં પણ પક્ષપલટો કરનારાઓને બીજા સ્થાને જ રાખવામાં આવે છે. તેમણે આડકતરી રીતે સંકેત આપ્યો કે ભાજપ પોતાના મૂળ કાર્યકરોને પ્રાધાન્ય આપે છે અને અન્ય પક્ષમાંથી આવનારાઓને સંપૂર્ણ સન્માન નથી મળતું.

પક્ષપલટો કરનારાઓ પછતાઈ રહ્યા હોવાનો દાવો

સાંસદ ઠાકોરે વધુમાં દાવો કર્યો હતો કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઘણા નેતાઓ પછતાવો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, "આપણા ઘણા લોકો જે ગયા છે, તે ક્યારેક દુઃખી થઈને મને કહે છે કે, ગેનીબેન, આ બાજુ કોઈ ઓશ કરતા નહીં, સુખી થવું હોય તો…" ગેનીબેનના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. વ્યક્તિગત મતભેદને કારણે પક્ષ છોડવાની વૃત્તિને વખોડતા તેમણે કહ્યું કે, ભલે વ્યક્તિગત રીતે કોઈ સાથે માપક ન આવતું હોય, પણ પક્ષરૂપી મંદિરની પવિત્રતા અને મહત્ત્વ જળવાઈ રહેવું જોઈએ.

પક્ષને 'મંદિર' અને નેતાને 'ભુવા' સાથે સરખાવ્યા

ગેનીબેન ઠાકોરે પક્ષપલટો કરનારા નેતાઓને સમજાવવા માટે એક અનોખી ઉપમા આપી. તેમણે પક્ષને 'મંદિર' અને નેતાઓને 'ભુવા' (પૂજારી) સાથે સરખાવ્યા. તેમણે કહ્યું કે, "કોઈ મંદિર ખરાબ હોતું નથી, ક્યારેક કોઈ ભુવો ખરાબ આવી જાય છે." તેમણે સ્પષ્ટતા કરી કે, મંદિરની પવિત્રતા અકબંધ રહે છે, ભલે કોઈ સમય સંજોગોએ ભુવો બદલાય. "તે ભુવાની લાંબી વેલીડીટી હોતી નથી, તે તો બદલાતા રહે છે." તેમ કહી તેમણે રાજકીય પક્ષોમાં નેતાઓના પરિવર્તનને સ્વાભાવિક ગણાવ્યું પરંતુ પક્ષ છોડી દેવાને યોગ્ય ન ઠેરવ્યું.