Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજની નવા બંધારણા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની પ્રથાઓને બંધ કરવા હાકલ કરી હતી. આ સાથે જ ગેનીબેન ઠાકોરે મહિલાઓને દશામાંનું વ્રત ના કરવા માટે આહવાન કર્યું હતુ.
ઠાકોર સમાજને સંબોધન કરતાં કોંગ્રેસના મહિલા સાંસદે જણાવ્યું કે, આ દશામાના વ્રતો કરીને ઘરોની દશા બેસાડવાની પ્રથા છે, તે કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવાના નથી. આ દશામાના વ્રતો કરીને ઘરની દશા બેસાડવાની પ્રથા છે. આથી કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત નહીં કરવા. જેને દશામાં નડતા હોય, તે બધાય માતાજીને મારી જોડે મોકલી દેજો. આમેય હું એકલી ગાડીમાં ફરું છુ, તો દશા માં પણ મારા ભેગા ગાડીમાં ફરશે.
જો દશામાં ને નડવું હોય, તો પણ મને નડશે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. ભુવાઓ તમને ભ્રમમાં રાખીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરશે. તમે જેવું કામ કરશો, તેવું જ ભોગવશો. આવા ભુવાઓ એવો વ્હેમ ઘાલે, તો આખો પરિવાર વેરવિખેર કરી નાંખે છે. જો કોઈને દુઃખ હોય તો ડોક્ટરને બતાવવું, પરંતુ અંધશ્રદ્ધામાં ના આવવું.
વધુમાં ગેનીબેને ઠાકોર સમાજને હાકલ કરતાં જણાવ્યું કે, આપણાં સમાજમાંથી ગમે તેટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય, તો તેના માટે ઠાકોર સમાજ આક્રમક નથી. આથી આપણે કોઈ બીજા સમાજની દીકરી લાવવી નહીં. જો કોઈ આપણા સમાજની દીકરી લઈ જાય, તો આકાશ-પાતાળ એક કરીને લાવવી જોઈએ.
