Bhabhar News: વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામ પાસે આવેલી પવિત્ર હરીધામ ગૌશાળા ખાતે ગઈકાલે 'ગૌમાતા સન્માન અભિયાન' અંતર્ગત એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો અને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવાની માંગણી સાથે આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.
5000 તાલુકાઓમાં આવેદનપત્ર આપવાનું એલાન
બેઠકમાં ઉપસ્થિત ગૌભક્તો અને સાધુ-સંતોએ એકસૂરે નિર્ણય લીધો છે કે ગૌમાતાના સન્માન માટે હવે લડત તેજ કરવામાં આવશે. આગામી 7 મે ના રોજ દેશભરના અંદાજે પાંચ હજાર તાલુકા મથકો પર ગૌભક્તો ઉમટી પડશે. આ દિવસે દરેક તાલુકા મુખ્યાલયે ગૌભક્તો દ્વારા મામલતદાર અથવા વહીવટી વડાને સંબોધીને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ આવેદનપત્ર દ્વારા કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવશે કે ગૌમાતાને સત્તાવાર રીતે 'રાષ્ટ્રીય ગૌમાતા' અથવા 'રાષ્ટ્રમાતા' ઘોષિત કરવામાં આવે.
હરીધામ ગૌશાળા ખાતે ગૌભક્તોનો મહાસંગમ
ભાભર તાલુકાના મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને ગ્રામજનો હરીધામ ગૌશાળા ખાતે એકત્રિત થયા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌસેવા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગૌવંશની જાળવણી માટે કડક કાયદાકીય જોગવાઈઓની માંગ કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ગૌશાળાના સંચાલકો અને આગેવાનોએ જણાવ્યું હતું કે, ગૌમાતા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને તેમને રાષ્ટ્રીય સન્માન મળવું એ સમયની માંગ છે.
પ્રતિજ્ઞા અને ગૌસેવાનો સંકલ્પ
બેઠકના અંતિમ તબક્કે, ઉપસ્થિત તમામ ગૌભક્તોએ ગૌમાતા સામે હાથ જોડીને ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ અભિયાન અટકશે નહીં. ભાભર પંથકના ગૌસેવકોએ ૭ મે ના કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યારથી જ આયોજન શરૂ કરી દીધું છે.
