Tharad News: થરાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારવાનો મામલો: પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી બનાવનું કર્યું રીકન્સ્ટ્રક્શન

પકડાયેલા પાંચ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 10 Apr 2026 08:49 AM (IST)Updated: Fri 10 Apr 2026 08:49 AM (IST)
case-of-kidnapping-and-killing-of-a-young-man-over-a-love-affair-in-tharad-police-arrest-5-accused-and-reconstruct-the-case-725110

Tharad News: બનાસકાંઠાના થરાદ પંથકમાં પ્રેમ સંબંધના વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો અને અપહરણની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ મામલે થરાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આરોપીઓમાં પોલીસનો ખોફ રહે તે હેતુથી પકડાયેલા શખ્સોને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

પ્રેમ સંબંધ અને મૈત્રી કરાર બાદ અપહરણનું કાવતરું

ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર યુવકને પંથકની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી પોતાના સાસરે જવા તૈયાર ન હોવાથી યુવક તેને રાજસ્થાન લઈ ગયો હતો. ત્યાં બંનેએ કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. જોકે, આ બાબતની જાણ યુવતીના પરિવારજનો અને સાસરી પક્ષને થતા તેઓ રોષે ભરાયા હતા.

યુવતીના પરિવારજનોએ બંનેને શોધી કાઢ્યા હતા અને યુવતીને પરાણે યુવકથી અલગ કરી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હતું અને તેને અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખ્યો હતો. આ સમયગાળા દરમિયાન યુવકને લાકડીઓ અને અન્ય હથિયારો વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને રસ્તામાં છોડી દેવાયા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પોલીસની કાર્યવાહી: ૨૪ લોકો સામે ગુનો દાખલ

થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસમાં ૧૨ નામજોગ અને ૧૨ અજાણ્યા મળી કુલ ૨૪ લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસની જવાબદારી સંભાળી રહેલા PSI સી.પી. ચૌધરીએ અલગ-અલગ ટીમો બનાવીને બાકીના ૧૯ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા પાંચ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરનારા તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.