ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાનનો આતંક, એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા

આ ઘટના બાદ કુંવારલા ગામના લોકોમાં ભારે ફફડાટ છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 03 Dec 2025 12:50 PM (IST)Updated: Wed 03 Dec 2025 12:50 PM (IST)
dog-attack-in-dhanera-kunwarla-village-13-people-bitten-girl-in-critical-condition-648761

Dog Attack in Dhanera: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં મંગળવારની રાત્રે એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો. આ હડકાયા શ્વાને ગામના રહેણાંક અને સીમ વિસ્તારોમાં ફરતા 13 જેટલા લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ અણધારી ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે.

ગ્રામલોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં હડકાયા કૂતરાનું આવાગમન વધ્યું હતું. મંગળવારની રાત્રે આ કૂતરાએ વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિત 13 લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા.

ગંભીર બાળકીને પાટણ રિફર કરાઈ

ડૉગ બાઈટનો ભોગ બનેલા તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 ઈમરજન્સી સેવા મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ભોગ બનનારાઓમાં સામેલ માત્ર 3 વર્ષની નાની બાળકીની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવી છે.

સરપંચ ભૂરીબેને જણાવ્યું હતું કે, રાતના સમયે 15 જેટલા લોકોને કૂતરાએ કરડ્યું હતું. ઇજાગ્રસ્તોમાં મેધાપાલ રણછોડલાલ, હકીકત ગુણમાલાલ, લુહાર શામાલાલ, ઠાકોર મંગાલાલ સહિત 13 ગ્રામજનોનો સમાવેશ થાય છે.

ગ્રામજનોમાં ફફડાટ અને તંત્ર સામે આક્રોશ

આ ઘટના બાદ કુંવારલા ગામના લોકોમાં ભારે ફફડાટ છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. ગ્રામલોકોનો આક્ષેપ છે કે તંત્ર હાલ નિદ્રાધીન અવસ્થામાં છે. ગ્રામ પંચાયત, વેટરનરી વિભાગ અને તંત્ર પાસે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ હડકાયા કૂતરાને પકડીને ગામને સુરક્ષિત બનાવવાની સખત માંગણી કરી છે.