SIM card scam: દુબઈમાં બેટિંગ કોલ સેન્ટરમાં કામ કરતો કુલદીપ ભારત આવે ત્યારે રૂપિયા 1500 ના ભાવે સિમકાર્ડ ખરીદતો હતો. 2023-2024 માં કુલદીપે 1,000 સિમકાર્ડ દુબઈ રહેતા ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહીને મોકલ્યાંનું તપાસમાં સામે આવ્યું છે.
સિમકાર્ડ કૌભાંડનો પર્દાફાસ
થોડા દિવસ પહેલા અમદાવાદના સિનિયર સિટિઝન સાથે થયેલા રૂપિયા 25 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડની તપાસમાં સાઇબર ક્રાઇમ સેલે તપાસ કરતાં ફ્રોડમાં વપરાયેલો વોટ્સએપ નંબર અમદાવાદની એક વ્યક્તિના નામે નોંધાયેલું હોવાનું સામે આવેલ છે. એ ગ્રાહકની તપાસ કરતા પિતાનું સિમ કાર્ડ પોતાના નામે ટ્રાન્સફર કરવા એજન્ટ પાસે ગયો હતો ત્યાં એજન્ટે તેના બાયોમેટ્રિક્સ અને ડોક્યુમેન્ટ લીધા બાદ ટેકનિકલ ભૂલનું બહાનું આપી કાર્ડ ટ્રાન્સફર નથી થયું કહ્યું હતું.
જોકે એ સિમ બારોબાર ઇશ્યૂ કરી દુબઈ મોકલી દેવાયું હતું. એરટેલના એજન્ટ અને મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર વિજય રાવળ ગ્રાહકોના બાયોમેટ્રિક્સ અને ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ગેરકાયદે સિમકાર્ડ ઇશ્યૂ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
ઠગો ફૂટપાથ પર છત્રી નાખીને બેસતા એજન્ટો પાસે સિમ કાર્ડ કઢાવવા ગયેલા ગ્રાહકો પાસેથી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા ફિંગર પ્રિન્ટ મેળવી તેમની જાણ બહાર સીમકાર્ડ કઢાવતા હતા. આરોપીઓ ગ્રાહકોને સર્વર ડાઉન હોવાથી પ્રોસેસ ન થઈ હોવાનું કહેતા હતા. આરોપીઓ આ સિમ દુબઈ અને ત્યાંથી કમ્બોડિયા મોકલતા. આરોપીઓ ભારતમાં જુદાં-જુદાં સિમકાર્ડ આપતા એજન્ટો શોધતા પછી તેમની પાસેથી કાર્ડ મેળવી દુબઈમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના બુકીને તથા સાઇબર ક્રાઇમ કોલ સેન્ટર ચલાવતી વિદેશી ગેંગને મોકલી આપતા હતા.
